પાટણ, 6 સપ્ટેમ્બર (હિ.સ.): શાળામાં છેલ્લા 16 વર્ષથી સફાઈ કામદારી કરી રહેલી તારાબેન વાલ્મીકીએ પાંચ લોકો સામે જાતિ આધારિત અપમાન અને તોડફોડ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 26 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે દોઢ વાગ્યે શાળામાં ચોંકાવનારી ઘટનાની શરૂઆત થઈ હતી.
શાળામાં ભૂતપૂર્વ શિક્ષિકા પૂર્વીબેન દવે, ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવર્ષભાઈ પંડ્યા, કુણઘેર ગામના મયુરભાઈ નાયક અને બે અજાણી મહિલાઓ શાળાના કેમ્પસમાં ઘૂસ્યા હતા. એ સમયે તારાબેન આચાર્યની ઓફિસ પાસે સફાઈ કામમાં વ્યસ્ત હતા. તેઓએ ત્યાં પહોંચીને બૂમાબૂમ અને હોબાળો શરૂ કર્યો. ઘટના દરમિયાન તારાબેનનો હાથ અચાનક મયુરભાઈને અડી જતાં, મયુરભાઈએ તેમને જાતિ આધારિત ગંદા શબ્દોમાં અપમાનિત કર્યા અને કહ્યું કે “હવે તારે નહાવું પડશે”, એવી ધમકી પણ આપી. પૂર્વીબેન દવેએ પણ તારાબેનનો જાતિ આધારિત અપમાન કર્યો હતો. મયુરભાઈએ શિક્ષકો અને આચાર્ય સામે પણ ગાળાગાળી કરી અને બાંકડા પરથી પુસ્તકો ફેંકી દીધા.
આ મામલે પોલીસએ ભારતીય ન્યાય સંહિતા અને SC/ST એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં પૂર્વીબેન દવે, દેવર્ષભાઈ પંડ્યા, મયુરભાઈ નાયક અને બે અજાણી મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ