સચીનમાં નીરવ મોદીની ફેક્ટરીમાં બે દિવસમાં બીજી વખત આગ, અનેક દસ્તાવેજો ભસ્મ
સુરત, 10 જાન્યુઆરી (હિ.સ.): સુરતના સચીન વિસ્તારમાં આવેલી નીરવ મોદીની બંધ હાલતમાં પડેલી જ્વેલરી ફેક્ટરીમાં બે દિવસમાં બીજી વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. ગુરુવારે મોડી રાત્રે ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડે કાબુમાં લીધી
Surat


સુરત, 10 જાન્યુઆરી (હિ.સ.): સુરતના સચીન વિસ્તારમાં આવેલી નીરવ મોદીની બંધ હાલતમાં પડેલી જ્વેલરી ફેક્ટરીમાં બે દિવસમાં બીજી વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. ગુરુવારે મોડી રાત્રે ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડે કાબુમાં લીધી હતી. ત્યારબાદ શુક્રવારે (9 જાન્યુઆરી) ફરી મોડી રાત્રે એ જ જગ્યાએ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જે ઝડપથી પહેલા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ વિકરાળ બનતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સતત છ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ફેક્ટરીમાં પડેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો સહિત ઓફિસનો લગભગ તમામ સામાન બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. એ.સી., કમ્પ્યુટર, ફર્નિચર, તિજોરી, મશીનરી, ફાઈલો, વાયરિંગ સહિતની વસ્તુઓ નષ્ટ થઈ ગઈ છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી.

મહત્વની વાત એ છે કે ઈડી દ્વારા સીલ કર્યા બાદથી આ ફેક્ટરીમાં વીજ પુરવઠો બંધ છે. ફેક્ટરી વર્ષોથી બંધ હાલતમાં છે અને અહીં વીજળી, પાણી તેમજ ડ્રેનેજના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વારંવાર આગ કેવી રીતે લાગી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ, સચીન રોડ પર આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થિત ફાયર સ્ટાર ડાયમંડ જ્વેલરી કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પરથી આગ શરૂ થઈ હતી, જે બાદમાં ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. બંને દિવસ ફાયર ટીમોએ ભારે મહેનત કરીને આગને કાબુમાં લીધી હતી.

આ સમગ્ર ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande