
મહેસાણા, 11 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા સ્તરે વ્યવસાય કરવાની સરળતા (Ease of Doing Business) પહેલને વધુ મજબૂત બનાવવા અને ડિસ્ટ્રીક્ટ બિઝનેસ રીફોર્મ્સ એક્શન પ્લાન-2025 ના અસરકારક અમલીકરણ માટે આજ રોજ વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના પ્રતિનિધિઓ તથા સંબંધિત હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપ દરમિયાન ઉદ્યોગકારોને મળતી પરવાનગીઓ, લાયસન્સ પ્રક્રિયા, સમયમર્યાદા ઘટાડવા, ડિજિટલ સેવાઓનો વિસ્તાર, તેમજ નિયમનાત્મક સરળતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જિલ્લાકક્ષાએ એકજ બિંદુ પર સેવાઓ (Single Window System) વધુ અસરકારક રીતે કાર્યરત બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ સર્જવા સરકારી વિભાગો વચ્ચે સંકલન વધારવાની જરૂરિયાત પર ભાર મૂકાયો.
અધિકારીઓને એક્શન પ્લાન હેઠળ નિર્ધારિત સૂચકો (Indicators) અનુસાર કામગીરી કરવા, સમયસર પ્રગતિ અહેવાલ રજૂ કરવા તથા ઉદ્યોગકારોની ફરિયાદોનું ઝડપી નિવારણ કરવા સૂચનાઓ આપવામાં આવી. વર્કશોપમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ (Best Practices) અને નવીન અભિગમ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
આ પ્રસંગે જણાવવામાં આવ્યું કે, જિલ્લા સ્તરે વ્યવસાય કરવાની સરળતા વધશે તો સ્થાનિક ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને રોજગાર સર્જનને ગતિ મળશે. અંતે તમામ વિભાગોને સહકારભાવ સાથે કાર્ય કરી બિઝનેસ-ફ્રેન્ડલી જિલ્લાની રચના કરવા આહ્વાન કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR