




- ડબગર અને મરાઠા સમાજ દ્વારા શરૂ કરાયો હતો જંબુસરનો પતંગ ઉદ્યોગ
ભરૂચ, 10 જાન્યુઆરી (હિ.સ.) : જંબુસર શહેરમાં આવનારી ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ બજારમાં ચહલપહલ જોવા મળી રહી છે, પરંતુ પરંપરાગત પતંગ ઉદ્યોગ માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. લગભગ 125 વર્ષથી વધુ સમયથી ડબગર સમાજ તેમજ મરાઠા સમાજ દ્વારા શરૂ કરાયેલો જંબુસરનો પતંગ ઉદ્યોગ આજે ધીમે ધીમે લુપ્ત થવાની કગાર પર છે. પરંતુ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. પતંગ બનાવવા માટે જરૂરી કારીગરો હવે મળતા નથી. ઉદ્યોગ ક્ષેત્રે કંપનીઓ ખુલવાથી અને નિયમિત પગારવાળી નોકરીઓ મળતી હોવાથી યુવાનો રોજગારી માટે કંપનીઓ તરફ વળી રહ્યા છે. પરિણામે પરંપરાગત હસ્તકલા આધારિત પતંગ ઉદ્યોગમાં કામ કરનારાની ભારે અછત સર્જાઈ છે.
આજે જંબુસરના ઘણા વેપારીઓ બહારથી તૈયાર પતંગો મંગાવી વેપાર કરી રહ્યા છે. બજારમાં અવનવી ડિઝાઇન, ડિજિટલ પ્રિન્ટ અને વિવિધ આકારની પતંગો જોવા મળી રહી છે. ખાસ કરીને ઉતરાયણ દરમિયાન “સિંદૂર પતંગ”ની માંગ પતંગ પ્રેમીઓમાં વધી રહી છે, છતાં સ્થાનિક રીતે તે બનાવતા કારીગરો ન મળતા વેપારીઓને અન્ય શહેરો પર આધાર રાખવો પડી રહ્યો છે. એક સમય હતો જ્યારે જંબુસરના પતંગો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોતાની મજબૂતી, રંગ અને ડિઝાઇન માટે ખાસ ઓળખ ધરાવતા હતા. પતંગ ઉદ્યોગના કારણે 500થી વધુ કુટુંબોને રોજીરોટી મળતી હતી. ઉતરાયણ નજીક આવતાં જ કારીગરો દિવસ-રાત પતંગ બનાવવામાં વ્યસ્ત રહેતા અને સ્થાનિક બજારો સાથે સાથે બહારના શહેરોમાં પણ પતંગોની સપ્લાય થતી હતી.
વેપારીઓનું કહેવું છે કે જો સરકાર દ્વારા પરંપરાગત પતંગ ઉદ્યોગને પ્રોત્સાહન, તાલીમ કેન્દ્રો અને નાણાકીય સહાય આપવામાં આવે તો ફરી એક વખત સ્થાનિક યુવાનો આ વ્યવસાય સાથે જોડાઈ શકે. નહિતર આવનારા સમયમાં જંબુસરની ઐતિહાસિક પતંગ કલા માત્ર યાદોમાં જ સીમિત રહી જશે. ઉતરાયણના આ આનંદના તહેવાર વચ્ચે જંબુસરના પતંગ ઉદ્યોગની આ વેદના લોકોમાં ચિંતાનો વિષય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ