


ગાંધીનગર, 10 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદ ખાતે SRPF ગ્રુપ–૨, નરોડા ખાતે યુનિવર્સિટીના NSS સ્વયંસેવકો માટે “યુવા આપદા મિત્ર તાલીમ”નું અસરકારક અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓને આપદા સમયે જવાબદાર, સજ્જ અને પ્રથમ પ્રતિભાવક તરીકે તૈયાર કરવાનો રહ્યો.
તાલીમની શરૂઆત આપદા વ્યવસ્થાપન અંગે કાયદાકીય સમજ સાથે કરવામાં આવી, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આપદા સમયે સ્વયંસેવકોની ભૂમિકા સમજાવવામાં આવી. ત્યારબાદ આપદા પૂર્વ તૈયારી વિષયક માર્ગદર્શનમાં આયોજન, શિસ્ત અને તાત્કાલિક પ્રતિભાવનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું.
તાલીમ દરમિયાન ધરાશાયી માળખામાં શોધ અને બચાવ, મેડિકલ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકેની કામગીરી, CPRની પ્રાયોગિક તાલીમ, તેમજ પૂર, આગ અને અન્ય આપદાઓ સમયે લેવામાં આવતી સુરક્ષા કાર્યવાહી અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું, જે NSS સ્વયંસેવકો માટે અત્યંત ઉપયોગી સાબિત થયું.
આ સમગ્ર તાલીમ ડૉ. શ્રુતિ એસ. મેહતા, એસ.પી. તથા DYSP એલ.ડી. રાઠોડના માર્ગદર્શન હેઠળ SRPF ગ્રુપ–૨, નરોડા ખાતે યોજવામાં આવી હતી. તાલીમ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પરમાર, PSI આર.બી. રાઠોડ, ADI પ્રભાતભાઈ આઈ. ગજુર, રાકેશભાઈ ડી. વાઘેલા, જયેશભાઈ એસ. સોલંકી અને ભરતભાઈ પી. ડાંગર દ્વારા NSS સ્વયંસેવકોને સંપૂર્ણ અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી, જેના કારણે તાલીમ વધુ જીવંત બની.
તાલીમના અંતે લેવાયેલી મૂલ્યાંકન પરીક્ષામાં માહી શાહે ત્રીજો ક્રમ (3rd Rank) પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. સમગ્ર તાલીમ દરમ્યાન NSS સ્વયંસેવકોમાં શીખવાની ઉત્સુકતા, શિસ્ત અને સેવાભાવ સ્પષ્ટ રીતે દેખાયો.
તાલીમના સુચારૂ આયોજન અને સ્વયંસેવકો વચ્ચે અસરકારક સંકલન માટે ફાલ્ગુની રામચંદાણી, માહી શાહ, ઝીલ ચાવડા, લોકેશ ફેગડે, સ્મિત કુમાર ખૈરેકર, સ્વયમ સોનાકર, હિતાક્ષી જૈન અને કાનન પ્રજાપતિ દ્વારા સક્રિય ભૂમિકા ભજવવામાં આવી.
કર્ણાવતી યુનિવર્સિટીના રજીસ્ટાર ડો. તારીક અલી સૈયદના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. યુનિવર્સિટીના એન.એસ.એસ કો-ઓર્ડીનેટર અંજલી પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન NSS ઇન્ટર્ન જાડેજા મીતરાજસિંહ અને મૈત્રી વૈષ્ણવ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
આ “યુવા આપદા મિત્ર તાલીમ” દ્વારા NSS સ્વયંસેવકો માત્ર તાલીમપ્રાપ્ત નહીં પરંતુ સમાજ માટે આપદાના સમયમાં મજબૂત આધારસ્તંભ બનવા તૈયાર થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ