
પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લા કલેકટરે પાટણ નગરપાલિકાને શહેરની આસપાસના 10 કિલોમીટર વિસ્તારના ગામોનો કચરો માખણિયા ખાતે આવેલી ડમ્પિંગ સાઇટ પર સ્વીકારવા અને ડમ્પ કરવા સૂચના આપી છે. આ માટે નગરપાલિકાએ 15 દિવસમાં ઠરાવ કરીને જિલ્લા વિકાસ અધિકારીને મોકલવાનો રહેશે.
આ સૂચના જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં યોજાયેલી ‘દિશા’ સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. બેઠક દરમિયાન 2025માં જિલ્લામાં અમલમાં મુકાયેલી વિવિધ વિકાસ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પાલિકા સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. ચીફ ઓફિસરે કચરાના નિકાલ અંગે મળેલી સૂચનાની પુષ્ટિ કરી હતી.
પ્રમુખ હિરલબેન પરમારે રેલવે મંજૂરીના અભાવે શાળાને પાણી જોડાણ ન મળવાની સમસ્યા, હાઈવે પર રેતી ઢોળતા ટ્રકો સામે કાર્યવાહી અને પાણીપુરીના કારખાનામાં મળેલા સરકારી અનાજ અંગે તપાસ કરવાની માંગ રજૂ કરી હતી. બેઠકમાં જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરી અંગે અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ