
- પ્રભાસ ક્ષેત્રના પ્રાચીન સૂર્યમંદિરો ભારતીય શિલ્પકલા અને સૂર્ય દેવની શ્રદ્ધાના સાક્ષી
ગીર સોમનાથ, 10 જાન્યુઆરી (હિ.સ.) : પ્રભાસ ક્ષેત્ર પ્રાચીનકાળથી મહાદેવ ભગવાન શિવની ઉપાસનાનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન તો રહ્યું જ છે, સાથે જ સૂર્ય ઉપાસનાનું અદ્વિતીય કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આજ સુધી પ્રભાસ અને તેની આજુબાજુના વિસ્તારમાં અનેક સૂર્યમંદિરોના અવશેષો મળી રહે છે, જે અહીં સૂર્ય ઉપાસનાના વારસાને મજબૂત કરે છે.
‘પ્રભાસ’ શબ્દનો અર્થ જ પ્રકાશથી ભરપૂર એવો થાય છે. પુરાણોમાં પ્રભાસ ક્ષેત્રને ભાસ્કર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે કારણ કે અહીં સૂર્ય દેવ પોતાની પૂર્ણ તેજસ્વી કળાઓ સાથે પ્રકાશતા હતા. કથાઓ મુજબ સૂર્ય દેવએ પોતાની ૧૬માંથી ૧૨ કળાઓ પ્રભાસ ક્ષેત્રના બાર સૂર્યમંદિરોને અર્પણ કરી હતી, જે આ ક્ષેત્રના અનોખા તીર્થ મહિમાને વધુ ઉજાગર કરે છે.
શીતળામાતાના મંદિર પાસેનું સૂર્યમંદિર
ઈ.સ. ૧૩મી સદી આસપાસનું માનવામાં આવતું આ મંદિર આજે પણ પ્રાચીન લિપિના અક્ષરોની સાક્ષી આપે છે. પ્રભાસખંડમાં આ મંદિરે નાગરાદિત્ય નામ મેળવ્યું છે. માન્યતા છે કે દ્વારકાથી આવેલા સત્રાજિતે અહીં સૂર્ય ઉપાસના કરી અને સૂર્ય દેવપ્રસાદ સ્વરૂપે મળેલો સ્યમંતક મણિ મેળવ્યા બાદ અહીં સૂર્યની સ્થાપના કરી હતી.
ત્રિવેણીનું ભવ્ય સૂર્યમંદિર
શારદા મઠની પાછળ આવેલું આ સૂર્યમંદિર તેની વિશિષ્ટ શિલ્પસૃષ્ટિ માટે પ્રસિદ્ધ છે. નરથર,ગજથર અને હંસથર વિનાના અનોખા માળખાવાળું આ મંદિર વલભી કાળનું માનવામાં આવે છે અને ૧૩–૧૪મી સદીમાં તેનો જીર્ણોધ્ધાર થયેલો હોવાનું કહેવાય છે. મંદિરની આસપાસ જ્ઞાનવાવ, સૂર્યકુંડ, માર્કંડ ઋષિ આશ્રમ, કામનાથ, સિદ્ધનાથ જેવા અનેક પવિત્ર સ્થળો આવેલાં છે.
પ્રશ્નાવાડાનું સોલંકી કાળીન સૂર્યમંદિર
કોડીનાર માર્ગે આવેલા પ્રશ્નાવાડા ગામમાં ગાયત્રી મંદિર સાથે આવેલું આ સૂર્યમંદિર પૂર્વાભિમુખ છે. ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને રંગમંડપ ધરાવતા આ મંદિરની ગૂઢ મંડપની જાળીઓમાં વનસ્પતિ અને પશુઓની કોતરણી છે. અને ગર્ભગૃહમાં ગાયત્રીમાતા તરીકે પૂજાતો પાષાણનો એક શિલ્પખંડ છે. ગર્ભગૃહના બારસાખ પર નવગ્રહની એક શિલ્પની તક્તી છે અને મધ્યમાં ગણેશજી છે. મંડપના બાર થાંભલામાંથી આઠ થાંભલા ટેકવી મંડપની છત છે. થાંભલા નીચેના ભાગે સમચોરસ, મધ્યમાં અષ્ટકોણ અને ટોચ ઉપર વર્તુળાકાર છે તેના પરથી શિખર સોલંકી કાલીન જણાય છે પણ મૂળ મંદિર આઠમી કે નવમી સદીનું અને સોલંકીકાળમાં સમરાવ્યુ હોય તેમ જણાય છે.
ભીમદેવળનું સૂર્યમંદિર
તાલાલા જવાના માર્ગમાં ભીમદેવળ ગામમાં ગામથી એકાદ કિ.મી દૂર ભીમનું આ દેવળ આવેલું છે જે અસલમાં સૂર્યમંદિર હતું. ઈ.સ. ૯મી સદીનું છતવાળું પ્રવેશદ્વાર ધરાવતા પૂર્વાભિમુખ એવા આ સૂર્યમંદિરને એક વિશાળ, ઊંચા અને આઠ મુક્ત સ્તંભો ધરાવતા મંડપ છે. એના ગર્ભગૃહના પ્રવેશદ્વારે સૂર્યની પતીઓ રાજ્ઞી અને નિક્ષુભાની સ્વાગતમાં ઊભેલી પ્રતિમાઓ છે. નાગર શૈલીનું શિખર આ પ્રકારનું પહેલું ઉદાહરણ છે. અગ્નિ દિશા તરફના પગથિયાં અને શિખરમાંનું ઉપલા થરનું ગર્ભગૃહ એ પાછળના સમયમાં ઉમેરાયું છે. મંદિરના ગૂઢમંડપની દીવાલમાં ઉપર બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય અને ચંદ્રના અંકનોવાળી શિલ્પપટ્ટિકા જોઈ શકાય છે. આ મંદિર રાજ્ય પુરાતત્ત્વ વિભાગ તરફથી રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.
આજોઠા ગામે આવેલું મૂળ પ્રાચી સ્થળ તેની પૌરાણિક ઓળખ માટે જાણીતું છે. અહીં ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાતું જે મંદિર છે, તે પ્રાચીનકાળમાં સૂર્યમંદિર હતું એવું મનાય છે.આ મંદિરના મંડોવરના ગવાક્ષોમાં આવેલી સૂર્યમૂર્તિઓ ઈ.સ. ૧૧ મી સદીના શિલ્પોની શૈલી દર્શાવે છે. આ કુંડ અને મંદિર રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં સોમનાથ આસપાસ ૧૨ જેટલા સૂર્યમંદિર હોવાનું એક સંશોધન છે. જો કે એમાંથી ઘણા ઓછા હયાત છે. જેમાં સોમનાથમાં ત્રિવેણી ઘાટ નજીક, પ્રભાસપાટણ ગામમાં એક, મીઠાપુર નજીક, મૂળ પ્રાચીમાં, સુત્રાપાડામાં, ભીમદેવળમાં, નાવદ્રામાં એમ અનેક સ્થળોએ આ સૂર્યમંદિરો હોવાનાં પુરાવાઓ મળે છે.
શિવ અને સૂર્ય ઉપાસનાની અનન્ય પરંપરા ધરાવતા પ્રભાસક્ષેત્રમાં આવેલા આ મંદિરો માત્ર ધાર્મિક મહત્વ ધરાવતા નથી પરંતુ ભારતીય શિલ્પવારસા, ઇતિહાસ અને સાંસ્કૃતિક વૈભવના જીવંત સાક્ષી તરીકે ઉભાં છે. સૂર્યની કળાઓથી દીપ્ત થયેલ આ ભૂમિ આજે પણ પ્રાચીન તેજ અને આધ્યાત્મિક ધરોહરનું અદભુત કેન્દ્ર બની રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ