


ગાંધીનગર, 14 જાન્યુઆરી (હિ.સ.) : ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયનના આનંદ માં સહભાગી થયા હતા અને ઉતરાયણ પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણ ની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે, તેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પણ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને.
મુખ્યમંત્રીએ આ ‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી કરાવી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટા બહેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવે, જિલ્લા કલેકટર મેહુલ દવે, વિદેશી પતંગબાજો સહિત નગરજનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ