



પોરબંદર, 14 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિની સુચના તેમજ ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અને હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના વિકાસ અને સલામતી દિશામાં નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુઘડ બને, અકસ્માતોમાં ઘટાડો થાય તથા નાગરિકોને સુરક્ષિત વાહન વ્યવહારની સુવિધા મળી રહે તે હેતુસર મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા રોડ સેફટી અંતર્ગત વિવિધ સ્થળોએ રોડ ફર્નિચરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સીટી એન્જિનિયર જયદીપસિંહ રાણા દ્વારા શહેરના મહત્વના માર્ગો તથા ટ્રાફિક પોઇન્ટ્સ પર થર્મોપ્લાસ્ટ માર્કિંગ, ઝેબ્રા ક્રોસિંગ, યેલોબોક્સ જંકશન તથા કેટાય રિફલેક્ટર જેવી આધુનિક સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. પોરબંદર શહેરના એસવીપી રોડ પર મહાનગરપાલિકા કચેરીથી ગેલેક્સી એપાર્ટમેન્ટ સુધી, જુના ફુવારા થી નવો ફુવારો - વાડિયા રોડ, પેરેડાઈઝ સર્કલથી કલેક્ટર બંગલા રોડ, કાવેરી હોટલથી ઝવેરી બંગલા ફાટક, તેમજ છાંયા ચોકી થી નેત્રમ આંખની હોસ્પિટલ રોડ સુધી થર્મોપ્લાસ્ટ માર્કિંગનું કાર્ય થયું છે.
ઝેબ્રા ક્રોસિંગ બાબતે નગરપાલિકા કચેરી, કમલાબાગ સર્કલ, પેરેડાઈઝ સર્કલ, ખીજડી પ્લોટ નજીક એમ.જી. રોડ, ગોઢાણીયા કોલેજ આસપાસ સહિતના વ્યસ્ત વિસ્તારોમાં સુવિધાજનક ઝેબ્રા ક્રોસિંગ બનાવી નાગરિકોને સુરક્ષિત રોર્ડ ક્રોસિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુમાં રૂપાળી બાગ ચોકડી અને ખાદી ગ્રામ ચોકડી ખાતે યેલોબોક્સ જંકશનની કામગીરી તેમજ એસવીપી રોડ અને વાડિયા રોડ વિસ્તારમાં કેટાય રિફ્લેક્ટર લગાવવાની કામગીરી પણ કરવામાં આવી છે, જેથી રાત્રિ સમયમાં પણ વાહનચાલકોને સ્પષ્ટ દિશા મળે અને અકસ્માતની સંભાવના ઘટે. પોરબંદર મહાનગરપાલિકાની આ કામગીરી શહેરમાં આધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની દિશામાં મહત્વનું પગલું સાબિત રહ્યું છે અને નાગરિકોમાં રોડ સેફટી અંગે જાગૃતિ સાથે સુરક્ષિત માર્ગવ્યવહાર સુનિશ્ચિત કરવામાં સહાયરૂપ બની રહી છે. મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી સુવિધાઓ વધુ મજબૂત બનાવવાની દિશામાં યોજનાબદ્ધ કાર્ય કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya