જામનગર એરપોર્ટને ઈ-મેઈલથી બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
જામનગર, 14 જાન્યુઆરી (હિ.સ.)-ગુજરાતના અતિ સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટ પર અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી મળતા સુરક્ષા તંત્ર એલર્ટ પર આવી ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એરપોર્ટ પરથી રવાના થયા બાદ થોડા સમય બા
જામનગર એરપોર્ટ


જામનગર, 14 જાન્યુઆરી (હિ.સ.)-ગુજરાતના અતિ સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટ પર અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી મળતા સુરક્ષા તંત્ર એલર્ટ પર આવી ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એરપોર્ટ પરથી રવાના થયા બાદ થોડા સમય બાદ જ આ ધમકીભર્યો સંદેશ મળતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

ઈ-મેઈલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી અને એસઓજી સહિતની ટીમો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી.

જામનગર એરપોર્ટ ભારતીય વાયુસેનાના નિયંત્રણ હેઠળ હોવાના કારણે સુરક્ષાને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ધમકી બાદ સમગ્ર એરપોર્ટ પરિસરને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ બિલ્ડિંગ, રનવે તેમજ પાર્કિંગ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને એરપોર્ટ તંત્ર સતર્ક છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande