પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન, લોડ વધારા અને નામફેર માટે જરૂરી દસ્તાવેજોની યાદી જાહેર
ગીર સોમનાથ, 14 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી નવા વીજ કનેક્શન મેળવવા, હાલના કનેક્શનમાં લોડ વધારો કરવા તેમજ નામફેરની પ્રક્રિયા માટે જરૂરી એવા દસ્તાવેજોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. જે મ
પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન, લોડ વધારા અને નામફેર માટે જરૂરી દસ્તાવેજોની યાદી જાહેર


ગીર સોમનાથ, 14 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી નવા વીજ કનેક્શન મેળવવા, હાલના કનેક્શનમાં લોડ વધારો કરવા તેમજ નામફેરની પ્રક્રિયા માટે જરૂરી એવા દસ્તાવેજોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ અરજદારોએ નિયત અરજીપત્રક એ-૧ ફોર્મ સાથે મિલકતની કાયદેસરની માલિકીના પુરાવા અને માન્ય ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવાના રહેશે.

અરજી પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને ભૂલરહિત બનાવવા ઉપરાંત ગ્રાહકોને બિનજરૂરી વિલંબનો સામનો કરવો ન પડે રહેણાંક તથા વ્યવસાયિક વીજ કનેક્શન મેળવવા ઈચ્છતા અરજદારોએ સ્થળની કાયદેસરની માલિકી માટે શહેર વિસ્તાર માટે સિટી સર્વે અથવા પ્રોપર્ટી કાર્ડ, જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે આકારણી પત્રક માન્ય ગણાશે. આ ઉપરાંત નોંધાયેલ વેચાણ દસ્તાવેજ સાથે ઈન્ડેક્સની નકલ અને જીઆઈડીસી પ્લોટના કિસ્સામાં ફાળવણી અથવા કબજા પત્ર રજૂ કરી શકાશે. જો અરજદાર ભાડુઆત તરીકે અરજી કરી રહ્યા હોય, તો તેમણે મિલકત માલિકના પુરાવા સાથે ઓછામાં ઓછા ૩ વર્ષનો રજીસ્ટર્ડ ભાડા કરાર અથવા લીઝ કરાર અને મિલકત માલિકની લેખિત સંમતિ (NOC) આપવાની રહેશે. ઓળખના પુરાવા તરીકે મતદાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા સરકારી ફોટો ઓળખ કાર્ડ પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરવો પડશે.

સંસ્થાગત અરજદારો માટે અલગ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં કંપનીઓએ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનની નકલ, ડિરેક્ટરોની વિગતવાર યાદી અને પાવર ઓફ એટર્ની અથવા બોર્ડ રિઝોલ્યુશનનીની પ્રમાણિત નકલ રજૂ કરવાના રહેશે.

પાર્ટનરશીપ ફર્મ માટે પાર્ટનરશીપ ડીડ અને નોંધણી પ્રમાણપત્ર (લાગુ પડે તો), ભાગીદારોની યાદી (સરનામા સાથે)અને રૂ. ૩૦૦ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝડ પાવર ઓફ એટર્ની જરૂરી છે. પ્રોપ્રાયટર ફર્મ માટે દુકાન અને સ્થાપના અધિનિયમ હેઠળની નોંધણી, પ્રોપ્રાયટરનું નામ અને રહેણાંક સરનામું, તેમજ ટ્રસ્ટના કિસ્સામાં ટ્રસ્ટ ડીડ અને નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ આપવી પડશે. સહકારી મંડળી કે એસોસિએશન મિલકત હોય તો માટે કબજા પત્ર, ફાળવણી પત્ર કે શેર સર્ટિફિકેટ માન્ય રહેશે.

ઝુપડપટ્ટી વિસ્તારમાં સામાન્ય વિકાસ યોજના હેઠળ કનેક્શન મેળવવા માટે રૂ. ૩૦૦ના સ્ટેમ્પ પેપર પર કરાર, સ્થાનિક સત્તાવાળાની એનઓસી અને સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આવશ્યક છે. એલ.ટી. અને એચ.ટી. ઔદ્યોગિક વીજ કનેક્શન માટે અરજદારના ઓળખ પુરાવા (કંપની- ફર્મ માટે અધિકૃત પત્ર સાથે ) ઉપરાંત લેઆઉટ પ્લાન મુજબ સ્થળની માલિકી કે કબજાના પુરાવા જરૂરી રહેશે.

ખેતીવાડી હેતુ માટે અરજી કરનારા ખેડૂતોએ એ-૧ ફોર્મની સાથે તાજેતરના ૭/૧૨, ૮-એ અને ૬-હકપત્રકના ઉતારા રજૂ કરવાના રહેશે. જો ખેતીની જમીન ભાગીદારીમાં હોય તો નોટરાઈઝ્ડ સંમતી પત્ર અને ફોટો ઓળખ પુરાવો પણ સાથે જોડવાનો રહેશે. જરૂર જણાયે આ કિસ્સામાં સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ માંગવામાં આવી શકે છે.પીજીવીસીએલ દ્વારા ડિજિટલ સેવાનો વ્યાપ વધારતા ખેતીવાડી સિવાયના તમામ નવા વીજ કનેક્શન અને નામફેર માટેની અરજીઓ ઓનલાઇન સ્વીકારવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. અરજદારો પીજીવીસીએલની સત્તાવાર વેબસાઇટ www.pgvcl.com પર જઈને સરળતાથી ઓનલાઇન અરજી કરી શકશે. તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande