જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો બનશે વધુ ભવ્ય અને દિવ્ય, જિલ્લા કલેકટરે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથમાં સ્થળ નિરીક્ષણ કર્યું
જૂનાગઢ 14 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં યોજાતા ભવનાથના મહાશિવરાત્રીનો મેળો રાજ્ય સરકારના પ્રયાસોથી વધુ ભવ્ય અને દિવ્ય બનવા જઈ રહ્યો છે, ત્યારે તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આજે ભવનાથ ક્ષેત્રની મુલાકા
જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો બનશે વધુ ભવ્ય અને દિવ્ય, જિલ્લા કલેકટરે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથમાં સ્થળ નિરીક્ષણ કર્યું


જૂનાગઢ 14 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં યોજાતા ભવનાથના મહાશિવરાત્રીનો મેળો રાજ્ય સરકારના પ્રયાસોથી વધુ ભવ્ય અને દિવ્ય બનવા જઈ રહ્યો છે, ત્યારે તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આજે ભવનાથ ક્ષેત્રની મુલાકાત લઇ, સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત સાધુ સંતો અને મોટી સંખ્યામાં પધારતા ભાવિકોની સુગમતા માટે અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરવાની સાથે જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા.

જિલ્લા કલેકટરએ ભવનાથ મંદિરની પણ મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે ખાસ મહાશિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં સાધુઓના સ્નાન સમયે આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સંબંધી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રના પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ મહાશિવરાત્રીના મેળાનું પદાધિકારીઓ સાથે સંકલનમાં રહીને આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, મૃગીકુંડમાં સાધુ સંતોના સ્નાન માટેની તૈયારીઓ, ભવનાથ મંદિરનો વિશેષ શણગાર- સુશોભન અને બેઠક વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી છે, ઉપરાંત મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે, તેને ધ્યાને રાખીને પણ પોલીસ તંત્ર સાથે પરામર્શ કરીને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ ધ્યાને લેવામાં આવી છે.

ભાવિકોની સુરક્ષા, વ્યવસ્થાઓ અને ગરિમા ધ્યાન રાખીને ભવનાથ મંદિર પરિસરના પણ અમુક સ્ટ્રક્ચર પણ દૂર કરવામાં આવ્યા છે. જેથી સાધુઓના શાહી સ્નાન વખતે વ્યવસ્થાઓ જળવાઈ રહેશે. ઉપરાંત મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈ સાધુ સંતો સાથે મળીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ રૂટ પરના નાના મોટા દબાણો દૂર કરવાની પણ પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ભવનાથ વિસ્તારમાં ભાવિકોની સુગમતા માટે કેટલીક જગ્યાઓ પણ ખુલ્લી કરાવવામાં આવી છે.

તેમણે એમ પણ જણાવ્યું કે વધુમાં વધુ શ્રદ્ધાળુઓ સાધુઓનું મૃગીકુંડમાં સ્નાનને નિહાળી શકે તે માટે જુદી જુદી જગ્યાએ એલઈડી સ્કિન લગાવવાનું પણ આયોજન છે. ઉપરાંત આગામી સમયમાં ખાસ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે એન્ટ્રી એક્ઝિટના પોઇન્ટનું પણ આયોજન કરવામાં આવશે, જેથી લોકોની અવર- જવર સરળ રહે. જિલ્લા કલેકટરએ તેમ પણ ઉમેર્યું હતું કે, ભાવિકોની ભીડને ધ્યાન રાખી તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેકટરની આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના સંલગ્ન અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande