

મહેસાણા, 14 જાન્યુઆરી (હિ.સ.) ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થનારા પશુ-પક્ષીઓની સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે કરુણા અભિયાન 2026 અંતર્ગત મહેસાણા ખાતે વિશેષ સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. આ કેન્દ્રનો શુભારંભ માન. પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત મહેસાણા તથા માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત મહેસાણાના કરકમળોથી પશુ દવાખાનાં – મહેસાણા ખાતે કરવામાં આવ્યો હતો.
આ સારવાર કેન્દ્ર વનવિભાગ, પશુપાલન વિભાગ અને એનિમલ સેવિયર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યરત કરવામાં આવ્યું છે. ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ દોરા, નાયલોન ધાગા અને કાઈટના કારણે અનેક પક્ષીઓ તથા પશુઓ ઘાયલ બને છે. તેમને તાત્કાલિક સારવાર, પ્રાથમિક ઉપચાર અને જરૂરી સર્જરી મળી રહે તે હેતુથી આ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે.
શુભારંભ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું કે કરુણા અભિયાન દ્વારા પ્રાણીઓ પ્રત્યે સંવેદના અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવે છે. સારવાર કેન્દ્રમાં અનુભવી પશુચિકિત્સકો, પેરામેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકોની ટીમ દિવસ-રાત કાર્યરત રહેશે, જેથી કોઈ પણ ઘાયલ પશુ-પક્ષીને તાત્કાલિક મદદ મળી શકે.
આ અવસરે ઉપસ્થિત અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી કે ઉતરાયણ દરમિયાન સુરક્ષિત દોરાનો ઉપયોગ કરે અને ઘાયલ પક્ષી કે પશુ દેખાય તો તરત નજીકના સારવાર કેન્દ્રનો સંપર્ક કરે. કરુણા અભિયાન 2026 મહેસાણામાં માનવતા અને પ્રાણીસ્નેહનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR