
નવસારી, 14 જાન્યુઆરી (હિ.સ.): નવસારીમાં થયેલી ધોળા દિવસની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ નવસારી (LCB)એ આંતરરાજ્ય રીતે સક્રિય ‘મટરુ ગેંગ’ના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹11.72 લાખનો ચોરી થયેલો સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ચોરીની ઘટના 12 જાન્યુઆરીએ નવસારીના ટાઉન વિસ્તારમાં બની હતી. કેસને ગંભીરતાથી લઈ LCBના સીનિયર અધિકારી વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન શહેરના 200થી વધુ CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીઓની હલચલ પર નજર રાખવામાં આવી.
ડિજિટલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ પરથી મળેલી માહિતીના આધારે આરોપીઓ નવસારી રેલવે સ્ટેશન નજીક છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે ત્યાં દરોડો પાડી ત્રણેયને ધરપકડમાં લીધા.
તપાસમાં ખુલ્યું છે કે ગેંગ ટ્રેન દ્વારા જુદા-જુદા રાજ્યોમાં ફરીને સ્થાનિક હોટલોમાં રોકાતી અને દિવસ દરમિયાન બંધ રહેણાંક મકાનોની રેકી કરીને ચોરી કરતી હતી. પોલીસે સોનાં-ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ ફોન તેમજ ચોરીમાં વપરાયેલા સાધનો પણ કબજે કર્યા છે. નવસારી ટાઉન પોલીસ હવે આ ગેંગ અન્ય કયા ગુનાઓમાં સંડોવાયેલી છે તેની વધુ તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે