સુરત જતી દારૂની મોટી હેરાફેરી ઝડપાઈ: વલસાડ LCBની કાર્યવાહીમાં બે પકડાયા, એક ફરાર
વલસાડ, 14 જાન્યુઆરી (હિ.સ.): વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચે સેલવાસથી સુરત તરફ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી મહત્વની કાર્યવાહી કરી છે. આ દરોડામાં અંદાજે ₹4.08 લાખનો દારૂ સહિત કુલ ₹7.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે
Arrest


વલસાડ, 14 જાન્યુઆરી (હિ.સ.): વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચે સેલવાસથી સુરત તરફ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી મહત્વની કાર્યવાહી કરી છે. આ દરોડામાં અંદાજે ₹4.08 લાખનો દારૂ સહિત કુલ ₹7.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓને ધરપકડમાં લીધા છે, જ્યારે એક શખ્સ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અને LCB PIના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગ પર હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે વાપી નજીક નેશનલ હાઈવે-48 પર મુંબઈથી સુરત જઈ રહેલી એક ગ્રે રંગની કારને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી.

કારની તપાસ દરમિયાન વચ્ચેની સીટ તથા ડિક્કીમાંથી વિદેશી દારૂના કુલ 37 બોક્સ મળી આવ્યા હતા, જેમાં 876 બોટલ દારૂ હતો. જથ્થાની કિંમત અંદાજે ₹4,08,960 ગણાઈ છે. સાથે સાથે આશરે ₹3 લાખની કાર અને બે મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા.

પોલીસે કારચાલક પ્રભુસિંહ રાવત (ઉ.વ. 26) અને ક્લીનર દેવેન્દ્રસિંહ રાવત (ઉ.વ. 22)ની ધરપકડ કરી છે. બંને હાલ સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના વતની છે. દારૂ ભરેલી કાર ઉપલબ્ધ કરાવનાર અને પાયલોટિંગમાં સામેલ અશ્વીનકુમાર (રહે. સચીન, સુરત) ફરાર છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તેના સંપૂર્ણ વિગતો મેળવવા તપાસ ચાલુ છે.

આ મામલે ડુંગરા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. કબજે કરાયેલા મુદ્દામાલ અને ઝડપાયેલા આરોપીઓ અંગે આગળની તપાસ ડુંગરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande