

મહેસાણા, 14 જાન્યુઆરી (હિ.સ.) BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર મહેસાણા ખાતે આયોજિત પાંચ દિવસીય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ અંતર્ગત વ્યાખ્યાન માળાના તૃતીય દિવસે ‘પારિવારિક સંવાદિતા’ વિષય પર પૂજ્ય અપૂર્વમુની સ્વામીનું પ્રભાવશાળી વ્યાખ્યાન યોજાયું. ‘મિલે સુર મેરા તુમ્હારા’ ભાવ સાથે આપેલ આ પારાયણે પરિવારમાં એકતા અને સમરસતાનું મહત્વ સ્પષ્ટ કર્યું.
પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ કહ્યું કે, “What ever is mine is fine નહિ પરંતુ Whatever fine is mine — એટલે કે જે કંઈ સારો છે તે મારું છે.” આ વિચાર જીવનમાં આવે ત્યારે સાચો માનવ ઉત્કર્ષ થાય. પુરુષાર્થના મહાત્મ્યને સમજાવતા તેમણે શ્રી રામના રામસેતુના દૃષ્ટાંત દ્વારા જણાવ્યું કે પ્રાર્થના સાથે પુરુષાર્થ જોડાય ત્યારે જ સફળતા મળે.
પરિવારિક વિખવાદ પર ચિંતન કરતા તેમણે જણાવ્યું કે ભૂકંપ કરતાં ‘કુસંપ’ વધુ ઘરો તોડે છે. પરિવારના સભ્યો એકબીજાની ખામીઓ સહન કરે, માફી માગે અને આપે, એજ સાચી સંવાદિતાનો આધાર છે. સંતાનોને માત્ર લાડ નહીં પરંતુ યોગ્ય માર્ગદર્શન આપવું પણ માતા-પિતાની ફરજ છે.ઘરના મોભીની જવાબદારી સમજાવતા તેમણે કહ્યું કે, રસોઈમાં જેમ અલગ-અલગ મસાલા ભળી સ્વાદ બને, તેમ પરિવારમાં વિવિધ સ્વભાવને જોડીને એકતા જાળવવી જરૂરી છે. અંતમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ‘ઘર સભા’ની ભેટનો ઉલ્લેખ કરી પરિવારિક સુમેળનું મહત્વ સમજાવ્યું. આ કાર્યક્રમમાં 5000થી વધુ ભક્તોએ લાભ લીધો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR