
પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.) : ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સિદ્ધપુર ટ્રાફિક પોલીસે વાહનચાલકોની સુરક્ષા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત દેથળી ચાર રસ્તા પાસે આજે સવારે 100થી વધુ દ્વિચક્રી વાહનો પર વિનામૂલ્યે લોખંડના સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.
ઉત્તરાયણ દરમિયાન પતંગની કાતિલ દોરી દ્વિચક્રી વાહનચાલકો માટે જીવલેણ બની શકે છે. ગળાના ભાગે દોરી ફસાવાથી થતી ગંભીર ઇજાઓ અને અકસ્માતોને અટકાવવાના હેતુથી સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા આ સુરક્ષા પગલું લેવામાં આવ્યું છે.
પીઆઈ જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક જમાદાર દેવશીભાઈ ચૌધરી અને તેમની ટીમે મોટરસાયકલ તથા એક્ટિવા પર સેફ્ટી ગાર્ડ લગાવી વાહનચાલકોને તેની ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ગાર્ડ પતંગની દોરીને ગળા સુધી પહોંચતા અટકાવી જીવ બચાવવામાં મદદરૂપ બને છે.
સ્થાનિક નાગરિકોએ આ અભિયાનને સારો પ્રતિસાદ આપ્યો હતો. સિદ્ધપુર પોલીસે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની સાથે હેલ્મેટ પહેરવા અને સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા વાહનચાલકોને પ્રોત્સાહિત કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ