

પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાતના સિદ્ધપુર શહેરમાં ઉત્તરાયણના પર્વે પતંગ ઉડાડવાની પરંપરા નથી. આ અનોખો રિવાજ પાટણના શાસક સિદ્ધરાજ જયસિંહના નિધન સાથે જોડાયેલો છે, જેના કારણે શહેરમાં ઉત્તરાયણને શોક દિવસ તરીકે માનવામાં આવે છે.
ઇતિહાસ મુજબ ઉત્તરાયણના દિવસે જ રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હતું. મહારાજાના સન્માનમાં સિદ્ધપુરના લોકોએ તે દિવસથી ઉત્તરાયણ પર પતંગબાજી બંધ કરી, અને આ પરંપરા દોઢ સદીથી વધુ સમયથી અવિરત ચાલી રહી છે.
આ પરંપરા અનુસાર સિદ્ધપુરમાં ઉત્તરાયણના બદલે વિજયાદશમીના દિવસે પતંગબાજી કરવામાં આવે છે. નવરાત્રી બાદ આવતા દશેરાના દિવસે નગરજનો ઉત્સાહ અને આનંદ સાથે પતંગ ચગાવે છે.
ચાલુ વર્ષે પણ કેટલાક જૂથોએ ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાના પ્રયાસ કર્યા, પરંતુ પરંપરાને માન આપતા નગરજનોએ તેમાં ભાગ લીધો નહીં. પરિણામે, ઉત્તરાયણના દિવસે સિદ્ધપુરનું આકાશ સુમસામ રહ્યું.
ઉત્તરાયણના દિવસે પતંગબાજી ન હોવા છતાં ધાર્મિક પ્રવૃત્તિઓનું વિશેષ મહત્વ રહે છે. લોકો પૂજા-અર્ચના, દાન-ધર્મ અને જીવદયાના કાર્યો કરે છે. આશરે 148 વર્ષ બાદ પણ સિદ્ધપુરમાં રાજા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ પરંપરાથી જીવંત રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ