
અમરેલી,16 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી ખાતે વિદ્યાર્થી સંગઠનABVPદ્વારા કથિત વિદ્યાર્થીની છેડતીના મુદ્દે આક્રમક વિરોધ નોંધાયો. સંગઠને જણાવ્યું કે કોલેજના નિયામકગીરીશ ભીમાણીસામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે ABVP દ્વારા BCA કોલેજના કમ્પાઉન્ડમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિરોધ દરમિયાન “ગીરીશ ભીમાણી હાય હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ પત્રકાર પરિષદ યોજીને સંગઠને પોતાની માંગો રજૂ કરી હતી. ABVPના જણાવ્યા અનુસાર, કથિત રીતે રાજસ્થાનના આબુ ખાતે એક આઇસક્રીમ પાર્લરમાં પાંચ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સંગઠનનું કહેવું છે કે આ ઘટના અંગેનો કથિત વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે.
ABVPએ સ્પષ્ટ કર્યું કે આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને સંબંધિત મામલે પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવે. સંગઠને ચેતવણી આપી કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ABVPના વિભાગ સંગઠન મંત્રી નીતિન નકુમ (ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે સમગ્ર મામલે હજી અધિકૃત તપાસ અને પોલીસ કાર્યવાહી અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવવાની બાકી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai