
અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.)
અમરેલી પોલીસના માઉન્ટેડ વિભાગમાં સેવા આપતો સરકારી ઘોડો ‘રઘુવીર’નું અવસાન થયું છે. અંદાજે ૨૫ વર્ષનો રઘુવીર છેલ્લા ઘણા વર્ષોથી પોલીસની વિવિધ ફરજોમાં વિશ્વાસપૂર્વક સેવા આપી રહ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા બે દિવસથી રઘુવીરે ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેની તબિયત બગડતી ગઈ હતી.
ઘોડાની તબિયત બગડતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને પશુચિકિત્સકો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. તેમ છતાં, ગત તારીખ ૧૪ના રોજ વહેલી સવારે લગભગ ૫.૩૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે અમરેલી પોલીસ હેડ ક્વાર્ટર્સના માઉન્ટેડ વિભાગ ખાતે રઘુવીરનું અવસાન થયું હોવાનું અમરેલી સિટી પોલીસમાં નોંધાયું છે.
‘રઘુવીર’ માત્ર એક સરકારી ઘોડો નહીં પરંતુ પોલીસ દળ માટે એક વિશ્વાસુ સાથી તરીકે ઓળખાતો હતો. તેની લાંબી સેવા દરમિયાન અનેક જાહેર કાર્યક્રમો, સુરક્ષા વ્યવસ્થા અને પરેડમાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેના અવસાનથી માઉન્ટેડ વિભાગ તેમજ સમગ્ર પોલીસ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
અમરેલી પોલીસ દ્વારા રઘુવીરની સેવાઓને યાદ કરી તેને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ જણાવ્યું કે રઘુવીરનું સ્થાન હંમેશા યાદગાર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai