
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.) : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ ગુજરાતમાં પણ ઉજવણી કરવામાં આવી. પરિણામો જાહેર થતાં જ પાટણ શહેર અને જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડી, આતશબાજી કરી અને એકબીજાનું મોઢું મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી.
ઉજવણી દરમિયાન કાર્યકરોએ કેસરીયા ખેસ ધારણ કરી ‘વંદે માતરમ’ અને ‘ભારત માતાકી જય’ના નારા લગાવ્યા. શહેર ભાજપના હોદ્દેદારો, નગરસેવકો અને પાયાના કાર્યકરોની મોટી હાજરી વચ્ચે મહારાષ્ટ્રમાં ભાજપના વિજયને સંગઠનની મજબૂતી તરીકે ઉજવવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ