
સુરત, 16 જાન્યુઆરી (હિ.સ.) : ઓલપાડ તાલુકાના બરબોધન ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રગતિશીલ ખેડૂત કિરીટભાઈ આંધી તેમજ મનહરભાઈ લાડે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે ખેડુતોને માહિતગાર કરી રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે જાણકારી આપી હતી.
વધુમાં સુક્ષ્મ પિયત પદ્ધતિ સંબંધિત માહિતી આપી જીવામૃત કેમ્પિંગ હેઠળ લાઇવ ડેમો કરીને જીવામૃત બનવાની રીત પણ સમજાવવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ માસ્ટર ટ્રેનર જયેશભાઈ, એગ્રી આસિસ્ટન્ટ વિપુલભાઈ, આત્મા સ્ટાફ(BTM) હિરેનભાઈ, એક્સ્ટેન્શન ઓફિસર દિવ્યેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે