જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૧૦૦ વિદ્યાર્થીઓએ ખડક ચઢાણની બેઝિક તાલીમ મેળવી
જૂનાગઢ 16 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૧૦૦ વિદ્યાર્થીઓએ ખડક ચઢાણની બેઝિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ૧૦ દિવસીય કોર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવ
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ


જૂનાગઢ 16 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૧૦૦ વિદ્યાર્થીઓએ ખડક ચઢાણની બેઝિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ૧૦ દિવસીય કોર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

રાજ્ય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે આ ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.૦૭-૦૧-૨૦૨૬ થી તા.૧૬-૦૧-૨૦૨૬ દરમિયાન યોજાયો હતો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અલગ-અલગ ૧૧ ફેકલ્ટીના કુલ ૧૦૦ શિબિરાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શિબિરના અંતિમ દિવસે સમાપન કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડો. આર. એમ. સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઉપરાંત ફિઝિકલ ઇન્સ્ટ્રકટર ડો. એન. વી. કાનાણી, કે. પી. રાજપૂત, ઇન્ચાર્જ ઇન્સ્ટ્રક્ટર ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ મહેમાનોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડો. આર. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે, મક્કમ મનોબળ ધરાવતી વ્યક્તિ કોઈપણ પહાડ જેવી મુશ્કેલીનો સામનો કરી શકે છે. તેમણે કૃષિ યુનિવર્સિટી અને પર્વતારોહણ તાલીમ કેન્દ્રને એકબીજાના પૂરક ગણાવી દર વર્ષે વિદ્યાર્થીઓને આ તાલીમ કેન્દ્રમાં મોકલવામાં આવતાં હોવાનું ઉમેર્યું હતું.

ડો. એન. વી. કાનાણીએ જણાવ્યું હતું કે, ખડક ચઢાણ બેઝિક કોર્સ શારીરિક ક્ષમતામાં વધારો કરે છે અને અભ્યાસ સાથે સાથે આ પ્રકારની સાહસિક પ્રવૃત્તિઓ જીવન ઘડતરમાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના પૂર્વ પ્રિન્સીપાલ કે. પી. રાજપૂતે શાબ્દિક અભિવાદન કર્યું હતું. ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન રામ જીતકુમાર તથા ડોડીયા રોહને કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ, પ્રદીપકુમાર, ગફુલ બારૈયા, મહેશ લોલાડીયા, રોહિત વેગડ, દેવરાજ ગોહિલ, જીગ્નેશ પટેલ, વિશાલ ગન્વિત, નૈનેષકુમાર રાઠવા, પરેશ રાઠોડ તથા દશરથ પરમાર દ્વારા શિબિરાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande