
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)પાટણ શહેરના હાંસાપૂર વિસ્તારમાં આવેલી સોસાયટીઓના મુખ્ય માર્ગો પર પાણીની પાઈપલાઈન તૂટવાથી રસ્તાઓ જળમગ્ન બન્યા છે. સતત પાણી વહેતાં વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
સમર્પણ વિલા, ગણેશ વિહાર, રામવિલાસ, ગણેશ ધામ, આમિત્રી, રામદેવ અને સુરમ્ય સહિતની સોસાયટીઓમાં લાંબા સમયથી રસ્તાઓની હાલત બિસ્માર છે. હાલ પાઈપલાઈનના ભંગાણથી બિન-ચોમાસામાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે.
પાણી ભરાવાથી વિદ્યાર્થીઓ અને વડીલોને ચાલવામાં તકલીફ પડે છે, તેમજ ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રોગચાળાની ભીતિ ઉભી થઈ છે. રહીશો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
સ્થાનિક રહીશોએ તૂટેલી પાઈપલાઈનનું તાત્કાલિક સમારકામ, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને રસ્તા રીપેરિંગ કરાવવાની માંગ કરી છે. સમસ્યાનો વહેલો નિકાલ ન થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ