કપરાડાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે સ્ટેમ લેબનું ઉદઘાટન કરાયું
વલસાડ, 16 જાન્યુઆરી (હિ.સ.) : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ખાતે સ્ટેમ લેબ (STEM Lab)નો ઉદ્ઘાટન સમારોહ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકાર
Valsad


વલસાડ, 16 જાન્યુઆરી (હિ.સ.) : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ખાતે સ્ટેમ લેબ (STEM Lab)નો ઉદ્ઘાટન સમારોહ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજે એલ. ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યના હસ્તે સ્ટેમ લેબનું ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનના શિક્ષણને વધુ મજબૂત કરવા રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ પહેલો તથા સરકારની કટિબદ્ધતા અંગે વિગતે જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજે એલ. ટંડેલે વિદ્યાર્થીઓના શૈક્ષણિક, પ્રાયોગિક તથા નવીન વિચારશક્તિના વિકાસમાં સ્ટેમ લેબની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી. સ્ટેમ લેબમાં વિદ્યાર્થીઓને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) આધારિત આધુનિક સાધનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં થ્રી-ડી પ્રિન્ટર, વી.આઈ. કેમેરા, ડ્રોન તથા વિવિધ અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો સમાવેશ થાય છે. આ લેબ ભવિષ્યમાં વિદ્યાર્થીઓની પ્રાયોગિક સમજ, નવીન વિચારશક્તિ તથા ટેક્નોલોજીકલ કુશળતા વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય, શિક્ષકો, એસ.એમ.ડી.સી.ના વાલી સભ્યો, સ્ટેમ લેબના મેન્ટર, હોસ્ટેલના વોર્ડન તથા ધોરણ–11 અને 12ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande