
ગીર સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૮ જાન્યુઆરી થી પ્રભાસ તીર્થની પુણ્યભૂમિ પર ઋષિ કુમારોના શંખનાદ અને ૭૨ કલાકના ઓમકારની ગૂંજ વચ્ચે શરૂ થયેલા ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય સંધ્યાથી પૂર્ણાહૂતી થઈ હતી. સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષના સુભગ સમન્વય અંતર્ગત યોજાયેલા આ પર્વના અંતિમ દિવસે લોકગાયક અલ્પા પટેલે કોકિલકંઠી સૂરોથી શિવ આરાધના કરતાં શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યાં હતાં.
અલ્પા પટેલે પોતાના કોકીલકંઠી અવાજમાં 'જય સોમનાથ' ના અભિવાદન સાથે 'સૌરાષ્ટ્રે સોમનાથ....', 'મુજે દર્શન દો ભોલેનાથ....', 'રામ સીયા રામ... જય જય રામ', 'શૈલશુંગ સમ વિશાલ, જટાજૂટ ચંદ્રભાલ....', 'આરંભ હૈ પ્રચંડ બોલે મસ્તકો કે ઝૂંડ...' 'હર હર શંભુ ભોળા....' સહિતની અનેક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. અલ્પા પટેલે વીરરસભર્યા લોકગીત રજૂ કરી ભારતમાતાની રક્ષા કરતા શૂરવીર સૈનિકોને તેમજ સોમનાથની સખાતે ચડેલા હમીરજી ગોહિલ સહિતના યોદ્ધાઓ અને જેના થકી સોમનાથનો જીર્ણોદ્વાર શક્ય બન્યો એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના વીર વ્યક્તિત્વનું પણ ભાવસ્મરણ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ