
ગીર સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષના સુભગ સમન્વય અંતર્ગત તા.૮ જાન્યુઆરી થી તા.૧૫ જાન્યુઆરી સુધી યોજાયેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં ઉત્તરાખંડ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ સહિત દેશભરના શ્રદ્ધાળુઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સોમનાથની અસ્મિતાનો વૈભવ માણ્યો હતો.
ભક્તિ અને આસ્થાના આ પર્વમાં તા.૧૫ જાન્યુઆરી સુધી દરરોજ રાતે સરદાર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી-ઉમેશ બારોટ, કિર્તી-કરશન સાગઠિયા-હાર્દિક દવે, હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી, સાંઈરામ દવે, અનિરૂદ્ધ આહિર, હેમંત જોશી, અઘોરી બૅન્ડ, અલ્પા પટેલે વીરરસ, શૌર્યરસ, શૃંગાર રસ, કરૂણ રસસભર ઈતિહાસ અને સંસ્કૃતિને સાંકળતી સંગીતસભર ગાયન-વાદનની કૃતિઓ રજૂ કરી હતી. વિવિધ કલાકારો દ્વારા રજૂ થતાં સંતવાણી-લોકડાયરો, ભજન-ગરબા સહિત ચારણી સાહિત્યની રમઝટ વિવિધ રાજ્યોના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓએ મન ભરી માણી હતી.
આ રીતે, 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં દૈનિક યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પીરસવામાં આવતા શિવ-કૃષ્ણમય ભજન-ભક્તિ થકી આદ્યાત્મભર્યા વાતાવરણમાં ભાવિકોની આસ્થા-સંસ્કૃતિના મૂળિયા વધુ મજબૂત બન્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ