



પોરબંદર, 16 જાન્યુઆરી (હિ.સ.)વી. જે. મદરેસા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક તથા વ્યવહારુ જ્ઞાનમાં વધારો થાય તે હેતુસર ધોરણ 11 તથા 12ના વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત વિદ્યાર્થીઓએ પોરબંદર સ્થિત પ્રતિષ્ઠિત સિદ્ધિક સીફૂડ એક્સપોર્ટ કંપનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઓન.સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા તેમજ સ્કૂલના ત્રણ અન્ય સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કુલ અંદાજે 35 વિદ્યાર્થિનીઓએ આ મુલાકાતમાં શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. કંપનીના માલિક હાજી સિદ્ધિક કરતેલાએ વિદ્યાર્થીઓને માછલી પકડવાની પ્રક્રિયાથી લઈને યુરોપિયન દેશોમાં નિકાસ સુધીની સમગ્ર પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી. તેમણે લેબોરેટરી ટેસ્ટિંગ, ક્લીનિંગ, પ્રોડક્ટ ગ્રેડિંગ, ફ્રીઝિંગ તથા અંતિમ શિપમેન્ટ સુધીની દરેક પ્રક્રિયા અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને વિદેશી દેશોમાં લાગુ પડતા કડક નિયમો, સીફૂડ એક્સપોર્ટ માટે જરૂરી વિવિધ લાયસન્સ, પ્રોડક્ટ કેટેગરીથી લઈને પેકેજિંગ અને ટેસ્ટિંગ સંબંધિત નિયમાવલીઓ તેમજ કંપનીમાં અમલમાં રહેલી વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અંગે મહત્વપૂર્ણ લર્નિંગ આઉટકમ્સ પ્રાપ્ત થયા. સિદ્ધિક સીફૂડ એક્સપોર્ટ કંપની પોરબંદરમાં હજારો લોકોને રોજગાર પૂરો પાડતી અગ્રણી કંપની છે, જેમાં પિલિંગથી લઈને પેકેજિંગ સુધી વિવિધ કુશળતા ધરાવતા ભાઈઓ અને બહેનોની જરૂરિયાત રહે છે.
ઉપરાંત ધો. 12 પછી લેબ. ટેક્નિશિયન ના કોર્ષ પૂર્ણ કરેલ યુવાનો માટે પણ આવી એક્સપોર્ટ કંપનીઓમાં રોજગારની સારી તકો રહેલી છે આમ પોરબંદર શહેરના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે આવી કંપનીઓનું કાર્યરત રહેવું અત્યંત મહત્વપૂર્ણ છે. કંપનીમાં અતિઆધુનિક ટેક્નોલોજી દ્વારા સીફૂડને ફ્રીઝ કરવામાં આવે છે. અહીં ઉપયોગમાં લેવાતા તમામ પાણીનું યોગ્ય રીતે શુદ્ધિકરણ કરીને પુનઃઉપયોગ કરવામાં આવે છે તેમજ બાકી રહેલું પાણી વૃક્ષોને સિંચાઈ માટે વપરાય છે. સમગ્ર કંપનીમાં A1 સ્તરની સ્વચ્છતા જાળવવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓ માટે કેપ તથા માસ્ક પહેરવું ફરજિયાત રાખવામાં આવ્યું હતું. મદરેસા સ્કૂલ પરિવાર તરફથી આ શૈક્ષણિક મુલાકાત માટે સિદ્ધિક સીફૂડ એક્સપોર્ટ કંપનીના માલિક હાજી સિદ્ધિક કરતેલાનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવી ઔદ્યોગિક મુલાકાતો વિદ્યાર્થીઓના પ્રાયોગિક જ્ઞાનમાં વધારો કરે છે અને તેમના ભવિષ્યના કારકિર્દી નિર્માણ માટે માર્ગદર્શક સાબિત થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya