
પાટણ, 16 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દાંતરવાડા ગામે ૪૨ ગોળ ક્ષત્રિય ઠાકોર સમાજની ઐતિહાસિક અને પ્રેરણાદાયી બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અને યુવાધનને બરબાદ કરતા દારૂના દુષણને જડમૂળથી નાબૂદ કરવાનો સામૂહિક સંકલ્પ લેવાયો હતો.
પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં લગ્ન પ્રસંગોમાં અતિશય ખર્ચ, ડીજે મ્યુઝિક તથા જાનમાં વાહનોની સંખ્યા મર્યાદિત રાખવા જેવા સામાજિક સુધારાઓ પર ભાર મૂકાયો હતો.
બેઠક દરમિયાન દિલીપજી ઠાકોરે જાહેરમાં પોલીસ તંત્રને ફોન કરીને દાંતરવાડા ગામમાં દારૂ વેચાણ તાત્કાલિક બંધ કરવાની કડક સૂચના આપી હતી. દારૂબંધીના કડક અમલ માટે પોલીસ અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને વડીલોએ મોટી સંખ્યામાં હાજરી આપી સામાજિક પરિવર્તન અને વ્યસનમુક્તિ અભિયાનને સમર્થન આપ્યું હતું. બેઠકમાં સરપંચ જ્યોત્સનાબેન ઠાકોર સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ