
અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.)
અમરેલી જિલ્લોમાં અલગ–અલગ વિસ્તારોમાં ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્રણેય બનાવોમાં પોલીસે જાણ થતાં જ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં દલખાણીયા (ધારી તાલુકો) ખાતે રહેતા સિંકદરભાઈ દિલુભાઈ પઠાણ (ઉંમર ૪૪) કોઈ સ્થાયી કામધંધો ન હોવાને કારણે કંટાળીને ગત તા. ૯ના રોજ સવારે આશરે ૮ વાગ્યે ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી ગયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હોવાનું પોલીસમાં નોંધાયું છે.
બીજા બનાવમાં હાથસણી (સાવરકુંડલા તાલુકો)ના મનુભાઈ એભલભાઈ ખુમાણ (ઉંમર ૬૦) છેલ્લા વીસ વર્ષથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસથી પીડાતા હતા. બીમારીથી કંટાળીને તા. ૧૧ની રાત્રિથી તા. ૧૨ની સવાર દરમિયાન વિજપોલના થાંભલે દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હોવાનું નોંધાયું છે.
ત્રીજા બનાવમાં લીલીયા તાલુકાના સલડી ગામે રામકૃષ્ણ જીનીંગ મીલ પાસે ચાલતા પુલના કામ દરમિયાન રોડ ઉપર આવેલા ખાડામાં પડી જવાથી નિતીનભાઈ ભુપતભાઈ પરમાર (ઉંમર ૪૮)ને ગંભીર ઈજા પહોંચી હતી. માથામાં સળિયો ઘૂસી જતાં તેમનું મોત નિપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
ત્રણે બનાવોમાં પોલીસે પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai