
અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લા મધ્યસ્થ જેલ ખાતે યોગ દ્વારા જીવન પરિવર્તનની નવી શરૂઆત થઈ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્યની તમામ જેલો વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત અમરેલી જિલ્લા જેલમાં આગામી એક વર્ષ સુધી બંદીવાનોને પ્રતિદિન યોગ શિક્ષણ આપવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બંદીવાનોના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી સકારાત્મકતા, માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન વિકસાવવાનો છે. નિયમિત યોગ અભ્યાસથી બંદીવાનોમાં જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસતો જોવા મળી રહ્યો છે. અગાઉ યોજાયેલી યોગ શિબિરોની સકારાત્મક અસરને કારણે જેલના અંદાજે ૧૦ જેટલા બંદીવાનોએ યોગ ટ્રેનર બનવા માટેની તાલીમ લેવા માટે આવેદન કર્યું છે. જેલમાંથી મુક્ત થયા બાદ યોગમય અને સ્વસ્થ જીવન જીવવાની ભાવનাও તેમણે વ્યક્ત કરી છે.
જિલ્લા યોગ કો-ઓર્ડિનેટરસાગર મહેતાએ જણાવ્યું કે રાજ્યકક્ષાના એમ.ઓ.યુ. મુજબ ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યની જેલોમાં યોગ શિક્ષણ કાર્યક્રમ સતત ચાલશે. યોગ ટ્રેનર રાહુલ અગ્રાવતદ્વારા બંદીવાનોને યોગ, પ્રાણાયામ, આસન, સૂર્યનમસ્કાર, ધ્યાન તેમજ મેદસ્વિતા મુક્ત જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. હાલ અમરેલી જિલ્લા જેલના ૨૫થી ૩૦ બંદીવાનો નિયમિત યોગ અભ્યાસ કરી રહ્યા છે, જે નકારાત્મકતાથી હકારાત્મકતા તરફના પરિવર્તનનું સશક્ત ઉદાહરણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai