પ્રયાસથી હરિયાળું સ્વપ્ન: અમરેલીના આંબા ગામના ખેડૂતની પ્રકૃતિપ્રેમી પહેલ
અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લોના લીલીયા તાલુકાના આંબા ગામમાંથી એક એવી પ્રેરણાદાયી કહાની સામે આવી છે, જે પ્રકૃતિપ્રેમ, ધીરજ અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. આંબા ગામના ખેડૂત જયસુખભાઈ માંડાણીએ પોતાના એકલાં પ્રયાસથી ગામને હરિયાળું
પ્રયાસથી હરિયાળું સ્વપ્ન: આંબા ગામના ખેડૂતની પ્રકૃતિપ્રેમી પહેલ


પ્રયાસથી હરિયાળું સ્વપ્ન: આંબા ગામના ખેડૂતની પ્રકૃતિપ્રેમી પહેલ


પ્રયાસથી હરિયાળું સ્વપ્ન: આંબા ગામના ખેડૂતની પ્રકૃતિપ્રેમી પહેલ


અમરેલી, 16 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લોના લીલીયા તાલુકાના આંબા ગામમાંથી એક એવી પ્રેરણાદાયી કહાની સામે આવી છે, જે પ્રકૃતિપ્રેમ, ધીરજ અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. આંબા ગામના ખેડૂત જયસુખભાઈ માંડાણીએ પોતાના એકલાં પ્રયાસથી ગામને હરિયાળું બનાવવાની નેક અને ટેક લીધી છે. વર્ષ 2021થી તેમણે વૃક્ષારોપણનો જે સંકલ્પ કર્યો, તે આજે હજારો વૃક્ષોના રૂપમાં સાકાર થતો જોવા મળે છે.

જયસુખભાઈને બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે ખાસ લગાવ રહ્યો છે. ખેતકામ અને રોજિંદી જિંદગી વચ્ચે પણ તેમણે પર્યાવરણ માટે કંઈક કરવાનું મનમાં નક્કી કર્યું. આંબા ગામથી આશરે બે કિલોમીટર દૂર આવેલી પોતાની વાડીથી લઈને ગામ સુધીના રસ્તાની બંને બાજુ, તેમજ તળાવના કાંઠે તેમણે નિયમિત રીતે વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું. તેમનો હેતુ માત્ર વૃક્ષ વાવવાનો નથી, પરંતુ વટ વૃક્ષો સહિતના ઘટાદાર વૃક્ષોથી એક સઘન વન ઉભું કરવાનો છે, જેથી આવનારી પેઢીઓને છાંયો, શુદ્ધ હવા અને હરિયાળું વાતાવરણ મળી રહે. આર્થિક પરિસ્થિતિ ખૂબ મજબૂત ન હોવા છતાં પણ જયસુખભાઈએ ક્યારેય હિંમત હારી નથી. લોખંડના પિંજરા ખરીદવા શક્ય ન હોવાને કારણે તેમણે દેશી રીત અપનાવી. વૃક્ષોની રક્ષા માટે કાંટાળી વાડ તૈયાર કરી અને પશુઓથી બચાવ કર્યો. એટલું જ નહીં, પોતાની વાડીમાંથી નાની પાઇપલાઇન ખેંચી તેમણે દરેક વૃક્ષ સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરી. સમયાંતરે જાતે જ પાણી આપીને તેઓ દરેક છોડનું જતન કરે છે.

ખેતરનું કામ પૂર્ણ કર્યા બાદ તેઓ રોજનો સમય વૃક્ષારોપણ અને તેની દેખરેખ માટે ફાળવે છે. આજ સુધીમાં તેઓ 1500થી વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરી ચૂક્યા છે. પેપલ, વડ, તેમજ અન્ય સ્થાનિક અને ઉપયોગી જાતિના વૃક્ષો વાવી તેઓ પર્યાવરણને સંતુલિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની ઇચ્છા છે કે આગામી સમયમાં હજારો વૃક્ષો વાવી બે કિલોમીટર સુધીના સમગ્ર વિસ્તારને હરિયાળું બનાવે. આ પહેલ માત્ર એક વ્યક્તિની મહેનત નથી, પરંતુ સમગ્ર ગામ માટે પ્રેરણાસ્રોત બની છે. રસ્તાની બન્ને બાજુ લહેરાતાં નાનાં-મોટાં વૃક્ષો, તળાવના પાળે ઊભું થતું હરિયાળું આવરણ અને પક્ષીઓની ચહક સાથે આ વિસ્તાર હવે જીવંત બનતો જઈ રહ્યો છે. ગામલોકો પણ આ કાર્યને વખાણી રહ્યા છે અને ઘણા યુવાનોને પ્રકૃતિસેવામાં જોડાવાની પ્રેરણા મળી રહી છે.

આંબા ગામના ખેડૂત જયસુખભાઈ માંડાણી સાબિત કરે છે કે મોટા બદલાવ માટે મોટી મૂડી નહીં, પરંતુ મજબૂત ઇચ્છાશક્તિ અને સતત પ્રયાસ જરૂરી છે. જો દરેક વ્યક્તિ પોતાની આસપાસ થોડાં વૃક્ષો વાવવાની જવાબદારી સ્વીકારે, તો ગામથી લઈને રાજ્ય સુધી હરિયાળું ભારત બનાવવાનું સ્વપ્ન ચોક્કસ સાકાર થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande