
સુરત, 16 જાન્યુઆરી (હિ.સ.) : સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ઘરેલું હિંસાનો ભયાનક અંજામ સામે આવ્યો છે. પતિની સતત મારઝૂડ, અપમાન અને ઉશ્કેરણીથી કંટાળી એક પરિણીતાએ શરીરે ડીઝલ છાંટી આગ લગાવી આત્મહત્યા કરી લીધી. સૌથી કરુણ બાબત એ છે કે પત્ની આગમાં સળગતી હતી ત્યારે પતિએ તેને બચાવવાનો પ્રયાસ કરવાને બદલે તેનો વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ છે.
ઘટનાના દિવસે બાળકોને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. બાળકોને ઠપકો આપતા પત્ની વચ્ચે પડી ત્યારે પતિ વધુ ગુસ્સે થયો અને મારઝૂડ કરી. આવેશમાં આવી મહિલાએ મરી જવાની વાત કરતાં પતિએ “ઘરમાં તેલ છે, તો સળગી જા” કહી ઉશ્કેરણી કરી હોવાનો પરિવારનો આરોપ છે. ત્યારબાદ મહિલાએ ડીઝલ છાંટી પોતાને આગ ચાંપી દીધી.
ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું. શરૂઆતમાં ઘટનાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ હોસ્પિટલમાં મહિલાએ પોતાના ભાઈને આપેલી માહિતી અને બાળકોના નિવેદન બાદ હકીકત બહાર આવી. મૃતકાના પિતાની ફરિયાદના આધારે ઇચ્છાપોર પોલીસ સ્ટેશએ પતિ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે