વસ્ત્રાપુર હાટ ખાતે 'ક્રાફ્ટરૂટ' પ્રદર્શનનું શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાના હસ્તે ભવ્ય ઉદઘાટન
અમદાવાદ, 17 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં ક્રાફ્ટરૂટ સંસ્થાના દેશભરમાંથી આવેલા કારીગરોની કૃતિઓના પ્રદર્શનનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ દર્શના વાઘેલા
વસ્ત્રાપુર હાટ ખાતે ક્રાફ્ટરૂટ પ્રદર્શનનું શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાના હસ્તે ભવ્ય ઉદઘાટન


અમદાવાદ, 17 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં ક્રાફ્ટરૂટ સંસ્થાના દેશભરમાંથી આવેલા કારીગરોની કૃતિઓના પ્રદર્શનનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ દર્શના વાઘેલાએ અમદાવાદ હાટમાં ક્રાફ્ટરૂટ પ્રદર્શનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ક્રાફ્ટરૂટના સંસ્થાપક અનાર પટેલે વર્ષોથી હસ્તકલા અને કારીગરોની પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને તેમના પ્રયત્નોથી જ આજે ક્રાફ્ટરૂટ સંસ્થા દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન પામી છે. તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલના વારસાને આગળ ધપાવવા બદલ સંસ્થાની પ્રશંસા કરી હતી.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર કારીગરોને યોગ્ય બજાર અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત ચિંતિત છે, જેના ભાગરૂપે જ દેશભરમાં 'સ્વદેશી મેળા'નું આયોજન કરવામાં આવે છે જેથી સ્થાનિક કલાને પ્રોત્સાહન મળે. તેમણે સુરેન્દ્રનગરના પટોળા અને બાંધણીના ઉદાહરણ દ્વારા કારીગરોની મહેનતને બિરદાવી હતી અને કારીગરોને આર્થિક સહાય માટે સરકારની લોન તેમજ સબસિડીની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

અંતમાં તેમણે અમદાવાદના કલાપ્રેમી ગ્રાહકોને કારીગરોની મહેનતનું મૂલ્ય સમજીને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ કર્યો હતો.

ક્રાફ્ટરૂટના સંસ્થાપક અનાર પટેલે પોતાના સંબોધનમાં કારીગરો અને તેમની હસ્તકલાના ગૌરવ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કારીગરોની દરેક કૃતિમાં તેમનો પરસેવો અને મહેનત જોડાયેલી છે, તેથી તેના ભાવમાં ક્યારેય ઘટાડો ન કરવો જોઈએ. જો કારીગર પોતે જ પોતાની કલાનું સન્માન કરશે, તો જ બજારમાં તેને યોગ્ય માન અને વળતર મળશે. તેમણે કારીગરોને ગ્રાહકો સાથે મજબૂત સંબંધો બાંધવા અને પોતાની કલાનું મૂલ્ય જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande