
પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ એમ.બી.એ. કોલેજમાં 42 વિદ્યાર્થીઓએ એડમીશન લીધા પછી તેમનું એનરોલમેન્ટ નહી થતા તેઓ પરીક્ષા આપી શકયા ન હતા ત્યારે વિદ્યાર્થી નેતા અને સામાજિક આગેવાનોની તપાસમાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે કોલેજનું જી.ટી.યુ.માં રજીસ્ટ્રેશન પણ થયુ નથી. તેથી તેના સાઇટ ઉપરના પુરાવા રજૂ કરીને આગેવાનોએ સંસ્થા સામે પગલા લેવા અને વિદ્યાર્થીઓની ફી પરત આપવા માંગણી કરી છે.
પોરબંદરના છાયામાં આવેલ શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈ.ટી.ના એમ.બી.એ.ના પ્રથમ વર્ષમાં 42 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા બાદ તેની પરીક્ષા શરુ થઇ ત્યાં સુધી હોલ ટિકિટ નહી આવતા વિદ્યાર્થીઓઅને વાલીઓએ ગઇકાલે હોબાળો મચાવ્યો હતો અને એ સમયે મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીએ એવુ જણાવ્યુ હતુ.કે ડાયરેકટર સુમિત આચાર્યની ભુલને કારણે વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થયુ નથી અને જી.ટી.યુ.ને ડોકયુમેન્ટ મોકલવાના રહી ગયા હોવાથી તેઓ પરીક્ષા આપી શકયા નથી. આ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનોએ હોબાળો મચાવીને આક્રોશ વ્યકત કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે કોલેજની માન્યતા અંગે પણ તપાસ શરૂ કરી દીધી હતી.
કિશન રાઠોડના જણાવ્યા અનુસાર જી.ટી.યુ.ની સાઇટ ઉપર વર્ષ 2025-26 માટે કોલેજની માન્યતા અંગે તપાસ કરતા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીની સાઇટ ઉપર ‘નોટ એપ્લાય ઇન એફિલીએશન’ લખ્યુ હોવાનું જાહેર થયુ હતુ. જેનો અર્થ એવો થાય છે કે કોલેજને મંજૂરી જ મળી નથી અને જી.ટી.યુ. સાથે જોડાણ જ આપવામાં આવ્યુ નથી. તેનો સીધો અર્થ એ થાય છે કે કોલેજ ચલાવવાની મંજૂરી નથી છતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો, છ મહિના ભણાવી દીધુ, તગડી ફી વસુલી લીધી અને અંતે વાલીઓ સહિત મીડિયાને પણ ગેરમાર્ગે દોરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે તથા ડાયરેકટર સુમિત આચાર્યના ખભે બંદૂક ફોડીને તેને બલીનો બકરો બનાવી દેવામાં આવ્યો છે. હકીકતે સંસ્થાના ટ્રસ્ટીઓની જાણ બહાર આ પ્રકારનું કૃત્ય શક્ય જ નથી તેથી વિદ્યાર્થીઓની ફી પરત કરવા તથા અધ્યાપકોની લાયકાત અને માન્યતા અંગે પણ સત્ય હકીકત બહાર લાવવા તેમજ વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરવા બદલ સંસ્થા સામે ગુન્હો દાખલ કરવા પણ માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya