
નવસારી, 17 જાન્યુઆરી (હિ.સ.) : બીલીમોરા નજીક આવેલી આંતલિયા ડમ્પિંગ સાઇટ પર એક જ સપ્તાહમાં બીજીવાર આગ લાગતાં વિસ્તારમાં ફરી ચિંતા ફેલાઈ છે. થોડા દિવસો પહેલાં જ અહીં ભારે આગ લાગી હતી અને હવે ફરી કચરાના ઢગલા સળગતાં ઘટનાને લઈને શંકાઓ ઉઠી રહી છે. વારંવાર થતી આવી ઘટનાઓને અકસ્માત તરીકે જોવાને બદલે હવે તેને પૂર્વયોજિત પ્રયાસ માનવામાં આવી રહી છે. સ્થાનિકોમાં એવો આક્ષેપ છે કે કચરાનો યોગ્ય વૈજ્ઞાનિક નિકાલ કરવાને બદલે તેને સળગાવીને સમસ્યાથી બચવાની રીત અપનાવવામાં આવી રહી છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કડક સૂચનાઓ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો ન જોવા મળતાં તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. આગ અને ધુમાડાથી આસપાસનું વાતાવરણ પ્રદૂષિત બનતું જઈ રહ્યું છે. ઝેરી ધુમાડાના કારણે બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની તકલીફ તથા આંખોમાં બળતરાની ફરિયાદો વધી છે. સ્થાનિક રહીશો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે