
પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.) : પાટણના સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે 50થી વધુ ગામોના રબારી સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજમાં પ્રચલિત ખોટા રીતિ-રિવાજો, સોના-ચાંદી અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા તેમજ શિક્ષણને પ્રાધાન્ય આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક આગામી 25 જાન્યુઆરી, રવિવારે ડીસાના સમશેરપુરા સ્થિત શ્રી એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલમાં યોજાનાર ‘ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન’ની તૈયારી અને આમંત્રણના ભાગરૂપે યોજાઈ હતી.
બેઠકમાં દાનવીર ભામાશા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. તેમણે યુવાનોને કુરિવાજો છોડીને શિક્ષણ તરફ આગળ વધવાની હાકલ કરી. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, વર્ષોથી ચાલતા કુરિવાજોએ સમાજની આર્થિક સ્થિતિને નબળી બનાવી છે, તેથી હવે શિક્ષણના માર્ગે પ્રગતિ કરવી જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ