

પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.)પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં તાજેતરમાં એક સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળામાં માનવ સેવા ટ્રસ્ટ અને નીચિકેતા ફાઉન્ડેશન દ્વારા 480 જરૂરિયાતમંદ બાળકોને શિયાળાથી રક્ષણ મળે તે માટે ગરમ મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માનવ સેવા ટ્રસ્ટ અને નીચિકેતા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને સંસ્થાઓ સમાજમાં જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી સેવાકાર્યો માટે સતત કાર્યરત છે.
પ્રસંગે ગ્રૂપના પ્રમુખ અને શાળાના વાલી દીપકભાઈ આર. મકવાણા, મુંબઈના હંસાબેન આર્ટિસ્ટ, બનાસકાંઠાના ડૉ. દીપકભાઈ સોલંકી, મયંકભાઈ મકવાણા અને નીતિનભાઈ સોલંકી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ સુખડ અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
દાતા સંસ્થાઓએ ભવિષ્યમાં પણ શાળાને સહાય આપવાની ખાતરી આપી હતી, ખાસ કરીને જેમના માતા-પિતા હયાત ન હોય તેવા બાળકોને વિશેષ સહાય આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તમામ દાતા સંસ્થાઓ અને મહેમાનોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ