
- રાજ્યની તમામ સરકારી બાલવાટિકા તથા ધોરણ 1 અને 2 ના 12 લાખથી વધુ વિધાર્થીઓ 'જાદુઈ પીટારા' થકી મેળવશે આનંદદાયી શિક્ષણ
'- જાદુઈ પીટારા' થકી બાળકોને રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ- પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ પ્રયાસોથી ટોય બેઝ પેડાગોજી શિક્ષણ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય
ગાંધીનગર, 17 જાન્યુઆરી (હિ.સ.) : આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ના બાળકો માટે 74 હજારથી વધુ જાદુઈ પીટારા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ જાદુઈ પીટારાનો રાજ્યના 12.35 લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે.
દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાદુઈ પીટારાની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.
આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે તેમ, શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ જાદુઈ પીટારા થકી સરકારી શાળાના બાળકોને ગોખણિયું શિક્ષણ નહીં, પરંતુ ભાર વિનાનું ભણતર, લાંબા ગાળા સુધી યાદ રહે તે પ્રકારની પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાનો રાજ્ય સરકારનો એક સરાહનીય પ્રયાસ છે. આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસી NEP-2020 અને નિપુણ ભારત મિશનના લક્ષ્યોને ધ્યાને લઇ NCERT, ભારત સરકાર દ્વારા નિર્મિત જાદુઈ પીટારા બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના વર્ગખંડોમાં આપવામાં આવી રહ્યા છે.
આ જાદુઈ પીટારા નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ને ધ્યાને લઇ ટોય બેઝ પેડાગોજી આધારિત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન માટે વિશેષ નિર્માણ કરવામાં આવ્યું છે.
આમાં રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ- પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ 30 જેટલી સામગ્રી સાથે તેના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. આ પોલિસી હેઠળ શિક્ષકોને પણ બાળકોના સર્વાંગી વિકાસ માટેના અસરકારક વર્ગખંડ વ્યવહાર માટેનું વાતાવરણ પૂરું પાડવા અર્થે વિવિધ સંસાધનો પ્રાપ્ત કરાવવામાં આવી રહ્યા છે.
આ જાદુઈ પીટારામાં સંગીતના સાધનો, રમત-ગમતના સાધનો,પપેટ્સ, મણકા,શૈક્ષણિક રમકડાં, પઝલ, રસોડા સેટ જેવી અનેક સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. ત્યારે પાયાના શિક્ષણ માટે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની આગેવાનીમા શિક્ષણની ગુણવત્તા અને બાળકોના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો આવકારવા દાયક બની રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ