

પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.) : સનાતન ધર્મના પ્રાંત પ્રવર્તક અલખના આરાધક અને મહેર સમાજના ભક્ત કાવિત્રી અને સમાજ સુધારક લીરબાઈમાઁના 150માં નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને સમાજની અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જે અનુસંધાને તારીખ 19 જાન્યુઆરી 2026ના રોજ મહેર સમાજના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્ન ઉત્સવમાં 42 નવદંપત્તિઓ લગ્નના પવિત્ર બંધનથી જોડાશે.
પૂજ્ય લીરબાઈ માતાજીના સમાધિ સ્થળ એવા રાણા કંડોરણા ખાતે આ દિવસે બપોરે 2:00 વાગ્યાથી શરૂ થનાર અને ઋષિ કુમારોના મુખેથી વેદોના મંત્રોની સાથે સંપન્ન થનારા લગ્ન ઉત્સવમાં દીકરીઓ માટે અનેક પ્રકારના કરિયાવર દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સમાજના દાનવીર શ્રેષ્ઠીઓ દ્વારા લગ્ન સ્પોન્સર પણ કરવામાં આવ્યાં છે અને એ રીતે સમાજમાં એક જ માંડવે લગ્ન યોજી લગ્ન પાછળ થઈ રહેલા દેખાડાઓ અને ખોટા ખર્ચાઓ ઘટાડી એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.આ દિવસે સાંજે મહેર જ્ઞાતિના ભાઈ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં દાંડીયારાસ અને પરંપરાગપ રાસડાનું પણ આયોજન કરેલ છે. આ ભવ્ય ઉજવણીના બીજા દિવસે એટલે કે તારીખ 20 જાન્યુઆરી 2026 અને મહાબીજના દિવસે 1008 કુંડીના ચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લીરબાઈ માતાજી આધ્યાત્મિક જગતમાં મહેર સમાજનું ગૌરવરૂપ અને આદર પાત્ર છે. તેમનું સમગ્ર જીવન અધ્યાત્મ અને સનાતન ધર્મને સમર્પિત હતું. તેઓએ સમાજના દરેક વર્ગમાં અધ્યાત્મિકતાની જ્યોત પ્રગટાવી પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કરેલ એમના આ કાર્યને એમના નિર્માણ દિવસે 1008 કુંડીનું યજ્ઞનું આયોજન કરી તેઓ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાનો આ અવસર છે. આ યજ્ઞમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હર કોઈ ભાગ લઈ શકશે.પૂજ્ય લીરબાઈ માતાજી એ સમાજમાં વ્યાપ્ત કુરિવાજો દૂર કરવા અને જન સેવાનો પણ ભગીરથ કાર્ય કરેલ.
માતાજીના 150 માં નિર્વાણ દિવસ નિમિત્તે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોનું નિર્મૂલન થાય તે માટે પણ ઘોષણાઓ કરવામાં આવનાર છે. આ માટે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ઘણા સમય પહેલા એક ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવેલ જેમાં પ્રાપ્ત સૂચનાઓનું સંકલન કરી પૂખ્ત વિચિરણા અને ચર્ચાઓના આધારે જ્ઞાતિમાં વ્યાપ્ત વિવિધ રીવાજો કે સમાજ અને વ્યક્તિને નુકસાન કરતી બાબતો વિશે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવશે.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની વિવિધ સમિતિઓના સદસ્યો સમાજની અન્ય સંસ્થાઓના કાર્યકરો જ્ઞાતિના ભાઈ બહેનો તથા અન્ય જ્ઞાતિના સેવક ગળપણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ બે દિવસીય મહોત્સવમાં પધારવા સૌ લોકો તથા જ્ઞાતિજનોને પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા એ નિમંત્રણ પાઠવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya