
મહેસાણા,19 જાન્યુઆરી (હિ.સ.) ઉંઝા તાલુકાના ટુંડાવ ગામ ખાતે ગ્રામ સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓને મજબૂત બનાવવા માટે નવીન સામુહિક શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કામગીરી સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી ગામના નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત સુવિધાની વધુ એક મહત્વપૂર્ણ ભેટ મળી છે.
નવનિર્મિત સામુહિક શૌચાલયથી ખાસ કરીને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે તેમજ ખુલ્લામાં શૌચની સમસ્યામાં ઘટાડો થશે. ગ્રામજનોને હવે સુવ્યવસ્થિત, સ્વચ્છ અને ઉપયોગમાં સરળ સુવિધા ઉપલબ્ધ થતાં આરોગ્ય સંબંધિત જોખમોમાં પણ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું કે સ્વચ્છતા એ માત્ર સુવિધા નહીં પરંતુ આરોગ્ય અને ગૌરવ સાથે જોડાયેલ મુદ્દો છે. આ શૌચાલયના નિર્માણથી મહિલાઓ, વૃદ્ધો અને પ્રવાસીઓને ખાસ લાભ મળશે. સાથે સાથે ગામમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધશે અને સ્વચ્છ ભારત અભિયાનના ઉદ્દેશોને વધુ બળ મળશે.
આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો, સ્વચ્છતા કર્મીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. સૌએ સરકારની યોજનાને આવકાર આપતા જણાવ્યું કે આવા વિકાસકાર્યો ગામના જીવનસ્તર સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR