
જુનાગઢ, 19 જાન્યુઆરી (હિ.સ.) : જૂનાગઢ આયોજિત અને પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી જૂનાગઢના સહયોગથી બી.આર.સી. ભવન, બિલખા રોડ, જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક તથા સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બાળકોને શાળાએ આવાગમન માટે સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા નિયમાનુસાર જે મફત પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવે છે તેના વાહનચાલકોને કુશળતા - વર્તણુક અને સુરક્ષા સલામતી અર્થે આર.ટી.ઓ. કચેરી, જૂનાગઢ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં બાળકોની માર્ગ સલામતી માટેના તમામ નિયમો અને મફત પરિવહન સુવિધાની માર્ગદર્શિકાની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આર.ટી.ઓ. કચેરી જૂનાગઢના સહાયક મોટર વાહન નિરીક્ષક એમ. એલ. પટેલ, એમ. એસ. ઠાકોર અને રોડ સેફ્ટી એક્સપર્ટ પ્રશાંતભાઈ દેવળીયા દ્વારા વાહનચાલકોને તમામ નિયમો અંગે દ્રશ્ય - શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વકની વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.
આ સમગ્ર તાલીમનું આયોજન જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કરવામાં આવેલ હતું. તાલીમને સફળ બનાવવા સમગ્ર શિક્ષાના મદદનીશ જિલ્લા કો. ઓર્ડીનેટર જગતભાઈ વ્યાસ અને બી.આર.સી. કો. ઓર્ડીનેટર જૂનાગઢ ગ્રામ્ય ડો. સુરેશભાઈ મેવાડા તથા સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ