
પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લામાં દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની ‘વહાલી દીકરી યોજના’ને વધુ લોકો સુધી પહોંચાડવા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર દીકરીને કુલ ₹1.10 લાખની સહાય આપવામાં આવશે.
વર્ષ 2019થી અમલમાં આવેલી આ યોજનાનો હેતુ દીકરીઓનું સામાજિક સ્થાન મજબૂત બનાવવો, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી અને સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
યોજનામાં ધોરણ 1માં પ્રવેશ સમયે ₹4,000, ધોરણ 9માં પ્રવેશ સમયે ₹6,000 અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય રૂપે ₹1,00,000 મળશે. શરત એ છે કે દીકરીના બાળલગ્ન ન થયેલા હોવા જોઈએ.
અરજદારો મામલતદાર કચેરી, VCE અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે. વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, પાટણ (ફોન: 02766-265510) પર સંપર્ક કરવા વહીવટીતંત્રએ આહવાન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ