
અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી શહેરમાં વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને સાયબર ગુનાઓ અંગે જાગૃત કરવા માટે મહત્વપૂર્ણ સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનું સંયુક્ત આયોજન વેપારી મહામંડળ, ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં વધતા જતા સાયબર ફ્રોડ, ઓનલાઇન છેતરપિંડી, ડિજિટલ ચુકવણીમાં સુરક્ષા, સોશિયલ મીડિયા હેકિંગ, ફિશિંગ લિંક્સ, ફેક કોલ્સ અને OTP ઠગાઈ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ અધિકારીઓ દ્વારા વાસ્તવિક કિસ્સાઓના ઉદાહરણો સાથે સાયબર ગુનેગારો કેવી રીતે કામ કરે છે અને તેનાથી કેવી રીતે બચવું તે સમજાવવામાં આવ્યું.
જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા દરેક નાગરિક માટે અત્યંત જરૂરી બની છે. નાની બેદરકારી પણ મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે, તેથી દરેક વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ. તેમણે કોઈપણ શંકાસ્પદ કોલ, લિંક કે મેસેજ પર તરત વિશ્વાસ ન કરવા અને જરૂરી હોય ત્યારે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી.
આ સેમિનારમાં અમરેલી શહેરના વેપારીઓ, ઉદ્યોગકારો, યુવાનો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું, જેમાં નાગરિકોની શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai