
મહેસાણા,19 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ મહેસાણા તાલુકાના કડવાસણ ગામ ખાતે અમલમાં રહેલી વિવિધ સરકારી યોજનાઓના કામોની ડીઆરડીએ (DRDA) ડાયરેક્ટર દ્વારા રૂબરૂ ચકાસણી કરવામાં આવી. આ દરમિયાન વિકાસકાર્યોની પ્રગતિ, ગુણવત્તા અને લાભાર્થીઓ સુધી યોજનાઓ પહોંચે છે કે નહીં તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
ડીઆરડીએ ડાયરેક્ટરે ગામમાં ચાલી રહેલા માર્ગ, પાણી પુરવઠા, સ્વચ્છતા, આવાસ, રોજગારલક્ષી યોજનાઓ સહિતના કાર્યોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ, સૂચનો અને યોજનાઓ અંગેના અનુભવ સાંભળ્યા હતા. ગ્રામજનોએ પીવાના પાણી, રોજગાર, આવાસ અને અન્ય પાયાની સુવિધાઓ અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા.
ડાયરેક્ટરે ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે યોગ્ય અને પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. જ્યાં ક્યાં ખામીઓ જણાશે ત્યાં તાત્કાલિક સુધારા કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી.
આ મુલાકાત દરમિયાન તાલુકા સ્તરના અધિકારીઓ, પંચાયતના પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કડવાસણ ગામે યોજાયેલ આ ચકાસણીથી વિકાસકાર્યોમાં પારદર્શકતા વધશે અને ગ્રામ વિકાસને વધુ વેગ મળશે તેવી ગ્રામજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR