
મહેસાણા, 19 જાન્યુઆરી (હિ.સ.) : જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે “જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ” ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકાસ અને જનહિતને લગતા અનેક મહત્વના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી ફરિયાદો, વિકાસકાર્યોની પ્રગતિ, સરકારી યોજનાઓના અમલ, તેમજ પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી પુરવઠો, વીજળી, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતાના વિભાગોની સ્થિતિ અંગે માહિતી આપી અને પ્રશ્નોના નિવારણ માટે લેવામાં આવેલા પગલાં અંગે અવગત કરાવ્યું.
પદાધિકારીઓએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે નાગરિકોની ફરિયાદોને ગંભીરતાથી લઈ સમયસર અને અસરકારક રીતે ઉકેલ લાવવામાં આવે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સંકલન વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. બેઠક અંતે એવું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું કે જિલ્લા સ્તરે સંકલન અને જવાબદારી વધારવાથી ફરિયાદ નિવારણની પ્રક્રિયા વધુ અસરકારક બનશે. આ બેઠકથી જનસમસ્યાઓના ઉકેલ તરફ સકારાત્મક દિશામાં પગલાં ભરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR