
અમરેલી,19 જાન્યુઆરી (હિ.સ.)ખાંભાના રબારીકા ગામે મધરાતે જીઆરડી જવાનો આસપાસ ચાર સિંહોએ ચક્કર લગાવ્યા, માનવ–સિંહ સહઅસ્તિત્વનો અનોખો દ્રશ્ય
અમરેલી જિલ્લામાં આવેલ ગીર પંથક એ એશિયાટિક સિંહ ની ધરોહર સમાન ઓળખ ધરાવે છે. જિલ્લામાં સિંહોની સૌથી વધુ વસ્તી હોવાથી હવે ખોરાક અને પાણીની શોધમાં સિંહો માનવ વસવાટ વિસ્તારમાં દેખાવા સામાન્ય બની ગયું છે. આવા જ એક ઘટનામાં ખાંભા તાલુકાના રબારીકા ગામ ખાતે મધરાતે ચાર સિંહો ગામમાં ઘુસી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રીના સમયે ફરજ પર રહેલા જી.આર.ડી. જવાનો આસપાસ આ ચાર સિંહોએ નિર્ભયતાપૂર્વક ચક્કર લગાવ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે સિંહો અને જવાનો વચ્ચે કોઈ પ્રકારની અફરા-તફરી કે હુમલાની ઘટના સામે આવી નહોતી. બંને એકબીજાની હાજરી સ્વીકારી શાંતિપૂર્વક વર્તન કરતા જોવા મળ્યા, જે માનવ અને સિંહ વચ્ચેના વિશ્વાસના સેતુને દર્શાવે છે.
ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે સિંહ હવે ભય નહીં પરંતુ સહઅસ્તિત્વનું પ્રતીક બની ગયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં માનવ અને વન્યજીવન વચ્ચેની સમજણ અને સંયમ સ્પષ્ટ દેખાય છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા અને સિંહોની અવરજવર દરમિયાન સલામતીના નિયમો પાળવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai