
મહેસાણા, 19 જાન્યુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામ ખાતે ગ્રામ્ય વિકાસને નવી દિશા આપતા વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમથી ગામમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોના દૈનિક જીવનમાં સુવિધા અને સરળતા વધશે.
આ વિકાસ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મહેસાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર, વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ, સરપંચ ભરતભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગામડાંનો સર્વાંગી વિકાસ જ રાજ્યના મજબૂત વિકાસનો આધાર છે. માર્ગ, પાણી, સ્વચ્છતા અને અન્ય પાયાની સુવિધાઓ મજબૂત બનવાથી ગ્રામ્ય જીવનસ્તર ઉંચું આવશે. તેમણે ખાતરી આપી કે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સતત અને પ્રતિબદ્ધ પ્રયાસો કરવામાં આવશે. કાર્યક્રમ અંતે ગ્રામજનોએ વિકાસકાર્યો બદલ સંતોષ વ્યક્ત કરી સરકાર અને સ્થાનિક નેતૃત્વનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR