
અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા માટે દેવળા–રામપુર–હુડલી–ચલાલા રોડના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડ લાંબા સમયથી વાહનચાલકો અને ગ્રામજનો માટે અગત્યનો માર્ગ હોવાથી રિસર્ફેસિંગ થવાથી આવાગમન વધુ સરળ અને સુરક્ષિત બનશે.
આ પ્રસંગે ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા, જિલ્લા પંચાયત સદસ્ય ખોડાભાઈ ભુવા તેમજ તાલુકા પંચાયત અને પક્ષના હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ રોડના રિસર્ફેસિંગથી દેવળા, રામપુર, હુડલી અને ચલાલા સહિત આસપાસના ગામોના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા દર્દીઓને આરોગ્ય સેવા સુધી પહોંચવામાં મોટી સુવિધા મળશે. ખાસ કરીને ખેતી ઉપજના પરિવહનમાં સમય અને ખર્ચ બન્નેમાં ઘટાડો થશે.
કાર્યક્રમ દરમિયાન ગુણવત્તાપૂર્ણ અને સમયસર કામ પૂર્ણ કરવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી. ગ્રામજનોમાં વિકાસકાર્યોને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ સરકારના પ્રયાસોને આવકાર આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai