
અમરેલી,19 જાન્યુઆરી (હિ.સ.) ધારી તાલુકાના ઝર ગામ માં ગ્રામ વિકાસને વેગ આપતા અનેક મહત્વપૂર્ણ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવનિર્મિત પ્રાથમિક શાળા, પીવાના પાણીની ટાંકી, બ્લોક રોડ તેમજ પાણી પુરવઠાના વિવિધ કામોનું લોકાર્પણ થતાં ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ લોકાર્પણ સમારોહમાં અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, દાન મહારાજની જગ્યાના લઘુમન પૂજ્ય મહાવીર બાપુ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, હોદેદારો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્મિત પ્રાથમિક શાળાથી ગામના બાળકોને ઉત્તમ શૈક્ષણિક માળખું મળશે, જ્યારે નવી પાણીની ટાંકી અને પુરવઠા વ્યવસ્થાથી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. બ્લોક રોડના લોકાર્પણથી ગામનું આંતરિક વાહનવ્યવહાર વધુ સુગમ બનશે અને દૈનિક આવાગમનમાં સરળતા આવશે.
પ્રસંગે આગેવાનોએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, પાણી અને માર્ગ સુવિધા મજબૂત કરવી એ સરકારની પ્રાથમિકતા છે. ઝર ગામમાં થયેલા આ વિકાસકાર્યો ગામના સર્વાંગી વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે અને ગ્રામજનોના જીવનસ્તર ઉંચું લાવવામાં મદદરૂપ બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai